ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

બેંકના ખાતાધારકો માટે મોટા સમાચાર, નોમિનીના નિયમોમાં થયો ફેરફાર, જાણો શું

નવી દિલ્હી, 3 ડિસેમ્બર : બેંકના ગ્રાહકો માટે સારા સમાચાર છે. સરકારે બેંક ખાતામાં નોમિની બનાવવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. મંગળવારે લોકસભામાં પસાર થયેલા બેંકિંગ કાયદા (સુધારા) બિલ, 2024, બેંક ખાતાધારકોને ખાતામાં 4 નોમિની બનાવવાની મંજૂરી આપી છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા આ બિલને સંસદના નીચલા ગૃહે અવાજ મતથી મંજૂર કર્યું હતું. બિલ પરની ચર્ચાના જવાબમાં, સીતારમણે કહ્યું કે થાપણદારો પાસે એક પછી એક અથવા એક જ સમયે તમામ 4 નોમિનેટ કરવાનો વિકલ્પ હશે.

લોકર ધરાવતા ગ્રાહકો માટે માત્ર એક જ વિકલ્પ

જ્યારે લોકર સુવિધાનો લાભ લેનારા ગ્રાહકો પાસે માત્ર ક્રમિક નોંધણીનો વિકલ્પ હશે. તેનો અર્થ એ કે તેઓ એક પછી એક, ક્રમિક રીતે નોમિની બનાવવા માટે સક્ષમ હશે. તેમણે એમ પણ કહ્યું કે 2014થી સરકાર અને આરબીઆઈ બેંકોને સ્થિર રાખવા માટે અત્યંત સાવધ છે.

સીતારમણે કહ્યું કે અમારો ઉદ્દેશ્ય અમારી બેંકોને સુરક્ષિત, સ્થિર અને સ્વસ્થ રાખવાનો છે અને 10 વર્ષ પછી તમે પરિણામ જોઈ રહ્યા છો. આ બિલમાં સહકારી બેંકોમાં ડિરેક્ટર્સ (ચેરમેન અને સંપૂર્ણ સમયના ડિરેક્ટર્સ સિવાય)નો કાર્યકાળ આઠ વર્ષથી વધારીને 10 વર્ષ કરવાનો પ્રસ્તાવ છે. આ સુધારો બંધારણ (97મો સુધારો) અધિનિયમ, 2011ને અનુરૂપ કરવા માટે કરવામાં આવ્યો છે.

જાહેર ક્ષેત્રની બેંકોના મર્જર પર કોઈ વિચારણા નથી

નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ મંગળવારે કહ્યું કે સરકાર જાહેર ક્ષેત્રની બેંકોના મર્જર પર વિચાર કરી રહી નથી. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં તેમણે કહ્યું કે સરકારે જાહેર ક્ષેત્રની બેંકો (PSBs)ની નાણાકીય સ્થિતિને મજબૂત કરવા માટે ઘણા પગલાં લીધા છે.

ચૌધરીએ જણાવ્યું હતું કે બેંકિંગ ક્ષેત્રમાં સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સુધારાઓને કારણે પ્રણાલીગત સુધારાઓ થયા છે અને ભારે તણાવની પરિસ્થિતિઓના જોખમને ઘટાડવા માટે તપાસ અને નિયંત્રણો મૂકવામાં આવ્યા છે.

જાહેર ક્ષેત્રની બેંકોના વિલીનીકરણ અંગે વિચારણા કરવામાં આવી રહી છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા ચૌધરીએ કહ્યું કે તેના પર કોઈ વિચારણા કરવામાં આવી રહી નથી. સરકારે ઓગસ્ટ 2019માં જાહેર ક્ષેત્રની બેંકોના ચાર મોટા મર્જરની જાહેરાત કરી હતી. આ કારણે વર્ષ 2017માં તેમની કુલ સંખ્યા 27 થી ઘટીને 12 થઈ ગઈ છે.

આ પણ વાંચો :- સૂચિત જંત્રીથી રીઅલ એસ્ટેટનું નામું નંખાઈ જવાની ભીતિ વ્યક્ત કરતા અમદાવાદના બિલ્ડરો

Back to top button