ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભારત-ચીન સંબંધોમાં સુધારો, LACમાં સ્થિતિ સામાન્ય: લોકસભામાં EAM ડૉ.જયશંકરનું નિવેદન

  • સંસદમાં ચીન સાથે સરહદ વિવાદ પર વાટાઘાટોમાં થયેલી પ્રગતિ અંગે ડૉ.જયશંકરે કરી વાત

નવી દિલ્હી, 03 ડિસેમ્બર: વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે મંગળવારે સંસદમાં ચીન સાથે સરહદ વિવાદ પર વાટાઘાટોમાં થયેલી પ્રગતિ અંગે મોટું નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રી ડૉ. જયશંકર સોમવારે ચીન મુદ્દે સંસદમાં નિવેદન આપવાના હતા પરંતુ લોકસભાની કાર્યવાહી થઈ શકી નહીં. મડાગાંઠના કારણે ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત રાખવામાં આવી હતી. જ્યારે આજે મંગળવારે લોકસભામાં લંચ બ્રેક પછી કાર્યવાહી શરૂ થતાં જ સ્પીકર ઓમ બિરલાએ વિદેશ મંત્રી ડૉ.જયશંકરનું નામ લીધું. વિદેશ મંત્રીએ સંસદની ટાઈમલાઇનમાં ચીન સાથે ચાલી રહેલા તણાવની માહિતી આપી અને કહ્યું કે, ચીન સાથે વાતચીત ચાલી રહી છે. ભારત-ચીન સંબંધોમાં સુધારો થઈ રહ્યો છે. સરહદ(LAC) પર સ્થિતિ હવે સામાન્ય છે, પરંતુ અમારી સેના તૈયાર છે.

 

ભારત-ચીન વચ્ચેના સંબંધો વિશે ડૉ. જયશંકરે શું કહ્યું?

વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, હું ભારત-ચીન સરહદ પર તાજેતરના વિકાસ અને દ્વિપક્ષીય સંબંધો પર તેની અસર વિશે ગૃહને જાણ કરવા માંગુ છું. ગૃહને ખબર છે કે વર્ષ 2020થી આપણા સંબંધો સામાન્ય રહ્યા નથી. ગૃહ એ હકીકતથી પણ વાકેફ છે કે, 1962ના સંઘર્ષ અને અગાઉની ઘટનાઓના પરિણામે ચીને અક્સાઈ ચીનમાં 38 હજાર ચોરસ કિલોમીટરના ભારતીય વિસ્તાર પર ગેરકાયદેસર કબજો જમાવી લીધો છે. 1963માં પાકિસ્તાને ગેરકાયદેસર રીતે 5180 ચોરસ કિલોમીટરનો ભારતીય વિસ્તાર ચીનને સોંપ્યો હતો, જે 1948થી તેના કબજામાં હતો.

વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે, ચીન સાથે સરહદ વિવાદ ઉકેલવા માટે દાયકાઓથી વાતચીત થઈ રહી છે. આપણે સરહદ વિવાદના ઉકેલ માટે નિષ્પક્ષ, વ્યાજબી અને પરસ્પર સ્વીકાર્ય નિષ્કર્ષ પર પહોંચવા માટે પ્રતિબદ્ધ છીએ. વિદેશ મંત્રીએ કહ્યું કે, તેમણે સરહદ પર બંને દેશોની સેનાઓ વચ્ચે થયેલા આમના-સામનાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, તેના કારણે પેટ્રોલિંગમાં પણ અવરોધ આવ્યો, તેમણે દાવો કર્યો કે, LAC પર સ્થિતિ હવે સામાન્ય છે પરંતુ આપણી સેના પણ તૈયાર છે. સરહદ પર શાંતિ માટે સંયુક્ત પ્રયાસો ચાલુ છે. સરહદ પર શાંતિથી જ સંબંધો સારા રહેશે. મડાગાંઠ ઉકેલવા માટે વાતચીત ચાલી રહી છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે સરકારના પ્રયાસોની ગણતરી કરતા કહ્યું કે, કમાન્ડર સ્તરની વાતચીત થઈ. મેં ચીનના વિદેશ મંત્રી સાથે વાત કરી. સંરક્ષણ પ્રધાને ચીનના સંરક્ષણ પ્રધાન સાથે પણ વાત કરી હતી. આસિયાન સંમેલનમાં બંને દેશોના સંરક્ષણ પ્રધાનો મળ્યા હતા. બંને પક્ષો તરફથી LAC માટે આદર જરૂરી છે. ચીન સાથે ડિસએન્ગેજમેન્ટ અંગે વાતચીત થઈ હતી. વિદેશ મંત્રીએ કહ્યું કે, પૂર્વી લદ્દાખમાં સંપૂર્ણ ડિસએન્ગેજમેન્ટ થઈ ચૂક્યું છે. આપણું ધ્યાન તંગ વિસ્તારોમાં ડિસએન્ગેજમેન્ટ પર છે. તેમણે બીઆરઓ દ્વારા બનાવવામાં આવેલા રસ્તાઓ અને ટનલનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, સરકાર રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે.

આ પણ જૂઓ: યુપીમાં સિંઘમની છાપ ધરાવતાં આ IPSએ I am Sorry કહીં માફી માંગી, જાણો શું છે ઘટના

Back to top button