ગુજરાત: રેશનકાર્ડને આધારકાર્ડ સાથે ઘરે બેઠા લિંક કરી શકાય છે, જાણો કેટલા લોકોએ e-KYC કરાવ્યું
- 1.38 કરોડ નાગરિકોએ ઘરે બેઠા માય-રેશન એપ થકી e-KYC કરાવ્યું
- કુલ 2.75 કરોડથી વધુ નાગરિકોનું e-KYC સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યુ
- એપ્લીકેશનના માધ્યમથી e-KYCને ઝડપી અને સરળ રીતે કરી શકાય છે
ગુજરાતમાં રેશનકાર્ડને આધારકાર્ડ સાથે ઘરે બેઠા લિંક કરી શકાય છે. જેમાં એપ્લીકેશનના માધ્યમથી e-KYCને ઝડપી અને સરળ રીતે કરી શકાય છે. સરકારી અનાજ સહિત વિવિધ સરકારી સ્કીમોનો લાભ મેળવવા માટે રેશનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવા માટે સરકાર દ્વારા ચોક્કસ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.
1.38 કરોડ નાગરિકોએ ઘરે બેઠા માય-રેશન એપ થકી e-KYC કરાવ્યું
ગુજરાતના નાગરિકો સરળતા અને ઝડપથી e-KYC કરી શકે તે માટે પુરવઠા વિભાગની ટીમોને વધુ કાર્યરત કરાઈ છે. સાથે જ અધિકારીઓ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. અન્ન-નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના મતે રાજ્યમાં કુલ 2.75 કરોડ લોકોના e-KYC કરવામાં આવ્યા છે. કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું છે કે, રાજ્યમાં 1.38 કરોડ નાગરિકોએ ઘરે બેઠા માય-રેશન એપ થકી, જ્યારે ગ્રામ પંચાયત સ્તરે VCE દ્વારા 1.07 કરોડ નાગરિકોનું e-KYC કરવામાં આવ્યું છે.
રાજ્યમાં કુલ 2.75 કરોડથી વધુ નાગરિકોનું e-KYC સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યુ
આમ, માય-રેશન એપ, ગ્રામ પંચાયત, જનસેવા કેન્દ્રો, પોસ્ટ ઓફિસ, બેંક, આંગણવાડી વગેરેના માધ્યમથી અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2.75 કરોડથી વધુ નાગરિકોનું e-KYC સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યુ છે. આ સાથે હાલમાં રાજ્યમાં જનસેવા કેન્દ્રો હસ્તક 546, ગ્રામ પંચાયતોમાં 506, શિક્ષણ વિભાગ પાસે 226, આંગણવાડીમાં 311 તેમજ પોસ્ટ-બેંક હસ્તક 2,787 થઈને કુલ 4,376 જેટલી આધારકીટ કાર્યરત છે. પરંતુ e-KYCમાં નાગરિકોને વધુ સરળતા રહે તે માટે નવી 1,000 આધારકીટ એક્ટિવ કરવાની જાહેરાત કરાઈ છે.
આ પણ વાંચો: ગુજરાત: ઠંડીના ચમકારામાં વધારો, 6 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું