ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

મહેસાણામાં ચાઈનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું, પરિવારે એકનો એક પુત્ર ગુમાવ્યો

Text To Speech

મહેસાણા, તા.30 નવેમ્બર, 2024: રાજ્યમાં ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં છૂટથી મળી રહી છે. ઉત્તરાયણને હજુ ઘણી વાર હોવા છતાં રાજ્યમાં ચાઇનીઝ દોરીના કારણે જીવલેણ અકસ્માતની ઘટના બનવા લાગી છે. ચાઇનીઝ દોરીના કારણે રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. મહેસાણામાં એક વ્યક્તિનું દોરીથી ગળું કપાઈ જતા મૃત્યુ થયું હતું. આંબલિયાસણ રેલવે ઓવરબ્રિજ આ બનાવ બન્યો હતો. યુવક પોતાની પત્ની સાથે બાઈક પર જતો હતો ત્યારે ઘટના બની હતી. પરિવારના એકના એક દિકરાનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

મહેસાણાના બલિયાસણનો 25 વર્ષનો યુવક મહેશ ઠાકોર પોતાની પત્ની સાથે ભાસરિયા હાઇવેથી આંબલિયાસણ સ્ટેશન તરફ રેલવે ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે અચાનક ચાઇનીઝ દોરી ગળામાં ફસાઈ જતાં ગળું ચિરાઈ ગયું હતું. ત્યારબાદ યુવકને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે, કમનસીબે સારવાર દરમિયાન જ યુવકનું મૃત્યુ નિપજ્યું હતું. પત્નીની નજર સામે પતિનું ગળું ચિરાઈ જતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

થોડા દિવસ પહેલાં અમદાવાદમાં ચાઇનીઝ દોરીથી 27 વર્ષના યુવકનું મૃત્યુ થયું હતું. જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. સુરતના અમરોલી વિસ્તારમાં ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલા મોટરસાયકલ ચાલકનું ચાઈનીઝ દોરીના કારણે ગળું કપાયું હતું. દોરીનો ઘા એટલો જબરદસ્ત હતો કે, ગળાની ત્રણ નસો કપાઈ ગઈ હતી. આ યુવકને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં સમયસર સારવાર મળવાથી તેનો જીવ બચ્યો હતો.

આ પણ વાંચોઃ દરરોજ 2GB ડેટા સાથે ફ્રી મળશે 20GB ડેટા, Jioની છે ઑફર

Back to top button