ગુજરાત: વિવિધ શહેરોના ઔદ્યોગિક ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડા
- મોરબી, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, હિંમતનગર સહિતના શહેરોમાં દરોડા પડ્યા
- દરોડામાં શંકાસ્પદ વિગતો સાથેનું કોમ્પ્યુટરાઇઝડ સાહિત્ય કબજે કર્યું હોવાનું જાણવા મળ્યું
- આવકવેરા વિભાગનાં ઉચ્ચ અધિકારીઓની 70 ટીમો દ્વારા વિવિધ સ્થળ પર તપાસ
ગુજરાતના વિવિધ શહેરોના ઔદ્યોગિક ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડા પાડયા છે. જેમાં મોરબી, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, હિંમતનગર સહિત રાજ્યના અડધો ડઝન શહેરોમાં આવકવેરા વિભાગનાં ઉચ્ચ અધિકારીઓની 70 ટીમો દ્વારા બિલ્ડર, કોલસા, પેપર સહિતનાં ઉદ્યોગો સાથે જોડાયેલી જુદી-જુદી પેઢીઓનાં 30 જેટલાં સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજ્યનાં તમામ મોટા ઉદ્યોગ જૂથોમાં ફફડાટની લાગણી ફેલાઇ
રાજ્યનાં તમામ મોટા ઉદ્યોગ જૂથોમાં ફફડાટની લાગણી ફેલાઇ હતી. આવકવેરા અધિકારીઓની ટીમ દ્વારા તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવતા કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારો પકડાયા હોવાનું બહાર આવ્યું હતું. મોરબીમાં બિલ્ડર તરીકે જાણીતા એવા મહેન્દ્ર પટેલની ઓફિસ, નિવાસ સ્થાન ઉપરાંત અમદાવાદની તેઓની પ્રોજેક્ટ સાઇટ સહિત તેમના ભાગીદારોને ત્યાં પણ આવકવેરા વિભાગ દ્વારા તપાસનો દોર લંબાવવામાં આવતા તપાસ પૂરી થયા બાદ લાખો રૂપિયાની કરચોરી બહાર આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી હતી.
દરોડામાં શંકાસ્પદ વિગતો સાથેનું કોમ્પ્યુટરાઇઝડ સાહિત્ય કબજે કર્યું હોવાનું જાણવા મળ્યું
અમદાવાદ અને મહેસાણાનાં મોટા બિલ્ડર ગ્રુપ સાથે જે પેઢીઓ સંકળાયેલી હતી તેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં કેટલાક ધંધાર્થીને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. મોરબીમાં તીર્થક પેપર ગ્રુપના કિરીટભાઈ ફૂલતરિયા અને સોહમ પેપરનાં પ્રવિણ મારવાણિયા બન્ને મહેન્દ્ર પટેલનાં પ્રોજેક્ટમાં ભાગીદાર હોવાથી આ બન્ને પેઢીઓની ફેક્ટરી, ઓફિસ તથા નિવાસસ્થાનનો ઉપર આવકવેરા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી. અલબત આવકવેરા વિભાગ દ્વારા જુદા-જુદા જે ૩૦ સ્થળોએ તપાસ કરી હતી. ત્યાંથી હિસાબી વિગતોની શંકાસ્પદ વિગતો સાથેનું કોમ્પ્યુટરાઇઝડ સાહિત્ય કબજે કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાત: ઠંડીનું જોર વધ્યું, તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો