દેશની મોટી આઈસ્ક્રીમ બ્રાન્ડના પૂર્વ પ્રમોટરો સામે ઇડીની કાર્યવાહી, રોકડ-લક્ઝરી કાર જપ્ત
નવી દિલ્હી, 29 નવેમ્બર : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રૂ.1,400 કરોડની કથિત બેંક છેતરપિંડી સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ડેરી કંપની ક્વાલિટી લિમિટેડના ભૂતપૂર્વ પ્રમોટર્સના પરિસરમાં દરોડા પાડ્યા પછી રૂ.1.3 કરોડ રોકડ અને શેલ કંપનીઓ સાથે જોડાયેલા પુરાવા જપ્ત કર્યા છે. તપાસ એજન્સીએ આજે આ જાણકારી આપી હતી.
ઇડીના નિવેદન અનુસાર, મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (પીએમએલએ) ની જોગવાઈઓ હેઠળ લગભગ રૂ.6.5 કરોડની કિંમતની લક્ઝરી કાર અને ડીમેટ ખાતા પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે. ફેડરલ એજન્સીએ આ મામલામાં ગઇકાલે દિલ્હી-એનસીઆરમાં 15 સ્થળોએ દરોડા પાડ્યા હતા.જેમાં અગાઉની કંપનીના પ્રમોટરો અને સંજય ઢીંગરા અને સિદ્ધાંત ગુપ્તા જેવા ડિરેક્ટરોના મકાનો તેમજ સંબંધિત કેટલીક ‘શેલ’(કાગળ પરની) કંપનીઓના પરિસરનો સમાવેશ થાય છે.
ડેરી કંપની ક્વોલિટી લિમિટેડ ફડચામાં ગઈ છે અને હવે નવા માલિકો સાથે છે. ઇડીનો કેસ સપ્ટેમ્બર 2020 માં સીબીઆઇ દ્વારા ઉલ્લેખિત પ્રમોટર્સ અને ક્વાલિટી લિમિટેડ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાંથી ઉદભવ્યો છે જે દૂધ, આઈસ્ક્રીમ અને અન્ય ડેરી ઉત્પાદનોના પ્રોસેસિંગ અને વેપારમાં રોકાયેલ છે.
આ પણ વાંચો :- ભારતની વધુ એક સિદ્ધિ : ફરી UN શાંતિ સ્થાપના આયોગનું સભ્ય બનાવાયું