ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: મહુવામાં રૂ.12 કરોડની કિંમતની ‘વ્હેલ માછલીની ઉલ્ટી’ છુપાવવી બે લોકોને ભારે પડી

  • મહુવા પંથકમાં રહેતાં આધેડ અને તેના ભત્રીજાને ઝડપી પાડયા હતા
  • સોશિયલ મીડિયામાં રિલ્સ જોઈ ઉલ્ટીને ઉંચી કિંમતે વેચી રોકડી કરવાની પેરવીમાં હતા
  • પિંગળેશ્વરના દરિયા કિનારેથી વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ)નો જથ્થો મળી આવ્યો

ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાંથી મહુવા પોલીસે બાતમીના આધારે પાડેલાં દરોડામાં સમુદ્રી ખજાના અને તરતું સોનું તરીકે ઓળખાતી અને વૈશ્વિક બજારમાં જેની ખૂબ માંગ છે એવી 12 કરોડની કિંમત ધરાવતી વ્હેલ માછલીની 12 કિલો ઉલ્ટી સાથે મહુવા પંથકમાં રહેતાં આધેડ અને તેના ભત્રીજાને ઝડપી પાડયા હતા.

સોશિયલ મીડિયામાં રિલ્સ જોઈ ઉલ્ટીને ઉંચી કિંમતે વેચી રોકડી કરવાની પેરવીમાં હતા

વન વિભાગની સાથે પોલીસે પાંડેલાં સયુંક્ત દરોડામાં ડાયવર્કસના કારખાનામાં છૂપાવેલાં આ કિંમતી જથ્થાને ઝડપી બન્ને વિરૂદ્ધ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. દોઢેક વર્ષ પૂર્વે મળેલાં કિંમતી જથ્થા અંગે બન્ને સોશિયલ મીડિયામાં રિલ્સ જોઈ ઉલ્ટીને ઉંચી કિંમતે વેચી રોકડી કરવાની પેરવીમાં હોવાનું પોલીસ પૂછપરછમાં ખુલ્યું હતું. મહુવા સહિત સમગ્ર ભાવનગર જિલ્લામાં ચર્ચા સાથે આશ્ચર્યનું કેન્દ્ર બનેલાં બનાવની વિગત એવી છે કે, ભાવનગર જિલ્લાની મહુવા પોલીસને બાતમી મળી હતી કે, મહુવાના ભવાનીનગર વિસ્તારમાં આવેલાં શ્રી ચામુંડા ડાયવર્કસ નામના કારખાનામાં વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) નામનો મુલ્યવાન પદાર્થ છૂપાવવામાં આવ્યો છે અને તેના વેચાણની પેરવી ચાલી રહી છે.

પિંગળેશ્વરના દરિયા કિનારેથી વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ)નો જથ્થો મળી આવ્યો

બાતમીના આધારે મહુવાના મદદનિશ પોલીસ અધિક્ષકે સ્થાનિક પોલીસ ઉપરાંત, એફએસએલ તથા વન વિભાગની રેન્જ ફોરેસ્ટ ટીમને સાથે રાખી બાતમીના સ્થળે દરોડો પાડયો હતો. જયાંથી પોલીસે રામજી રાહાભાઈ શિયાળ અને જયદીપ મગનભાઈ શિયાળને 12 કિલો ગ્રામ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) કિંમત રૂ.12 કરોડ 30 હજાર સાથે ઝડપી પાડયા હતા. પોલીસે બન્નેને જથ્થા સાથે પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતાં મોટાબાપુ રામજી શિયાળે કબૂલાત આપી હતી કે તેને અંદાજે દોઢેક વર્ષ પૂર્વે મહુવાના ભવાની મંદિર પાસે આવેલા પિંગળેશ્વરના દરિયા કિનારેથી વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ)નો જથ્થો મળી આવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પ્રશાંત વજીરાણીના ડોક્ટર તરીકેના વિવિધ લાયસન્સ રદ

Back to top button