અમરેલીના જસવંતગઢ ગામમાં નાયબ મામલતદારના માતાની ધોળા દિવસે હત્યાથી ચકચાર
અમરેલી, તા.29 નવેમ્બર, 2024: અમરેલીના જસવંતગઢ ગામમાં નાયબ મામલતદાર રાજેશભાઈ તેરૈયાના 64 વર્ષીય વૃદ્ધ માતા પ્રભાબેન તેરૈયાને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ચાર જેટલા ઘા મારી હત્યા કરવામાં આવી હતી. પ્રભાબેન જશવંતગઢ ગામે તેમના મકાને એકલા હતા ત્યારે અજાણ્યા વ્યક્તિએ ઘરમાં ઘૂસી ઘટનાને અંજામ આપ્યો હતો.
હત્યા કોઈ રીઢા ગુનેગારે કરી હોવાનું તારણ
આ બનાવને લઈને પોલીસને જાણ થતા ઘટના સ્થળ પર દોડી આવી હતી અને તાત્કાલિક ધોરણે ટીમો બનાવી હત્યારાને પકડી પાડવા તપાસ હાથ ધરી હતી. આ હત્યાને જોતા ગળાના ભાગના નિશાન પરથી કોઈ રીઢા ગુનેગારે કરી હોવાનું પ્રાથમિક રીતે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે હત્યા અંગે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પરંતુ લૂંટ માટે આવેલા શખ્સનો પ્રતિકાર કરતા હત્યા કરી નાખવામાં આવ્યાનું તારણ નીકળ્યું છે.
પતિ ઘરેથી આવ્યા ને પત્નીની જોઈ લાશ
ગુરૂવારના રોજ ભાનુશંકરભાઈ સવારના સમયે પોતાની વાડીએ ગયા હતા. બપોરના તેઓ પોતાના ઘરે જ્યારે જમવા આવ્યા ત્યારે પત્નીને લોહી લુહાણ હાલતમાં ઘરમાં જોઈ હતી. તાત્કાલિક અસરથી તેમણે પોતાના ગામના સરપંચ સહિતના વ્યક્તિઓને જાણ કરી હતી. બનાવ સંદર્ભે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં લૂંટના ઇરાદે વૃદ્ધાની હત્યા કરાઈ ન હોવાનું સામે આવ્યું છે. હત્યાના બનાવને લઈને સમગ્ર જિલ્લાના વહીવટી તંત્રમાં પણ ચકચાર મચી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે હત્યારાને પકડી પાડવામાં આવે તેવી માંગ ઉઠી હતી. આ સમગ્ર મામલે અમરેલી રૂરલ પોલીસે અજાણ્યા ઇસમો સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ મામાના ઘરે જતી સગીરા સાથે એમ્બ્યુલન્સમાં 4 નરાધમોએ કર્યુ દુષ્કર્મ