કર્મચારીઓને મળશે 90% બોનસ: દેશની આ આઇટી કંપનીએ કરી જાહેરાત
બેંગલુરુ, 27 નવેમ્બર : દેશની અગ્રણી આઈટી કંપની ઈન્ફોસિસમાં કામ કરતા તમામ કર્મચારીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારતની બીજી સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસિસ તેના કર્મચારીઓને પરફોર્મન્સ આધારિત બોનસ આપવા જઈ રહી છે.
ઇન્ફોસિસે બુધવારે કહ્યું કે કંપની ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં તેના પાત્ર કર્મચારીઓને 90 ટકા બોનસ આપશે. 90 ટકા બોનસ મેળવનાર કર્મચારીઓમાં જુનિયર લેવલ અને મિડ લેવલના કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવશે. કંપની નવેમ્બરના છેલ્લા મહિનામાં પગાર સાથે તેના કર્મચારીઓને બોનસ ચૂકવશે.
પ્રથમ ક્વાર્ટરમાં કર્મચારીઓને 80% બોનસ અપાયું હતું
આ બાબતની જાણકારી ધરાવતા સૂત્રોએ જણાવ્યું કે બીજા ક્વાર્ટરમાં (જુલાઈ-સપ્ટેમ્બર) પરફોર્મન્સ આધારિત બોનસ સરેરાશ 90 ટકાની આસપાસ છે, જ્યારે પ્રથમ ક્વાર્ટર (એપ્રિલ-જૂન)માં કંપનીએ તેના કર્મચારીઓને 80 ટકા બોનસ આપ્યું હતું. આ બાબતે વધુ માહિતી માટે કંપનીનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ કંપનીએ તાત્કાલિક કોઈ જવાબ આપ્યો ન હતો.
બુધવારે કંપનીનો શેર વધારા સાથે બંધ થયો હતો
દરમિયાન બુધવારે ઈન્ફોસિસનો શેર 0.21 ટકા (4.05 રૂપિયા)ના વધારા સાથે 1925.90 રૂપિયા પર બંધ થયો હતો. મંગળવારે રૂ. 1921.85 પર બંધ થયેલો કંપનીનો શેર આજે રૂ. 1939.95ના ભાવે સારા વધારા સાથે ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન, ઇન્ફોસિસના શેર રૂ. 1912.50ના ઇન્ટ્રા-ડે નીચા સ્તરેથી રૂ.1940.65ના ઇન્ટ્રા-ડે હાઇ પર પહોંચ્યા હતા અને અંતે રૂ. 1925.90 પર બંધ થયા હતા.
ઈન્ફોસિસના શેરની કિંમત 52 સપ્તાહની ઊંચી સપાટીની નજીક
ઈન્ફોસિસના શેરની કિંમત તેની 52 સપ્તાહની ઊંચી સપાટીની ખૂબ નજીક છે. કંપનીના શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 1990.90 રૂપિયા છે જ્યારે તેની 52 સપ્તાહની નીચી કિંમત રૂપિયા 1359.10 છે. BSE ડેટા અનુસાર, TCS પછી દેશની બીજી સૌથી મોટી કંપની ઈન્ફોસિસનું વર્તમાન માર્કેટ કેપ રૂ.7,99,681.23 કરોડ છે.
આ પણ વાંચો :- અદાણી કેસઃ અમેરિકન કોર્ટમાં શું થઈ શકે? ગૌતમ અદાણી પાસે આ વિકલ્પો છે