આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ઈઝરાયેલે લેબનોન યુદ્ધવિરામ પર સહમતિ વ્યક્ત કરી, નેતન્યાહુએ આપ્યા 3 કારણ

તેલ અવીવ, તા. 27 નવેમ્બર, 2024: હમાસ અને તેના સમર્થકો સાથે 14 મહિનાના યુદ્ધ પછી ઇઝરાયેલ લેબનોન સાથે કામચલાઉ યુદ્ધવિરામ માટે સંમત થયું છે. ઇઝરાયેલની સુરક્ષા કેબિનેટ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને પગલે આ સમજૂતી હવે તાત્કાલિક અસરથી અમલમાં આવે તેવી અપેક્ષા છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે જાહેરાત કરી હતી કે તેમના મંત્રીઓએ આ સોદાને મંજૂરી આપી દીધી છે. અગાઉ, લેબનોનના વિદેશ મંત્રી અબ્દુલ્લા બૌ હબીબે ઇટાલીમાં જી-7 બેઠકમાં જણાવ્યું હતું કે મંગળવારે રાત સુધીમાં યુદ્ધવિરામ લાગુ થઈ જશે.

અહેવાલો અનુસાર, ઇઝરાયેલની સુરક્ષા કેબિનેટની સંમતિ પછી, આ સમજૂતીને હવે સમીક્ષા માટે સમગ્ર કેબિનેટની સામે મૂકવામાં આવશે. લેબનોન અને હિઝબુલ્લાએ પણ આ પ્રસ્તાવને પોતાની સંમતિ આપી છે. બુધવારે, લેબનોનની કેબિનેટ ઔપચારિક રીતે કરારને મંજૂરી આપવા માટે મળશે.

રોયટર્સના અહેવાલો અનુસાર, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પોતે કામચલાઉ યુદ્ધવિરામ સમજૂતી માટે સંમત થયા છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ કહ્યું, યુદ્ધવિરામનો સમયગાળો લેબનાનમાં શું થાય છે તેના પર આધાર રાખે છે. અમે કરારનો અમલ કરીશું અને કોઈપણ ઉલ્લંઘનનો સખત જવાબ આપીશું. અમે જીત સુધી એકજૂથ રહીશું.

નેતન્યાહુએ કહ્યું, અમે સૈન્ય કાર્યવાહીની સંપૂર્ણ સ્વતંત્રતા જાળવી રાખીએ છીએ. જો હિઝબુલ્લાહ કરારનું ઉલ્લંઘન કરશે અને કઈંક કાંકરીચાળો કરશે તો અમે જવાબ આપીશું. જો તે સરહદ નજીક આતંકવાદી માળખાનું પુનઃનિર્માણ કરવાનો પ્રયાસ કરશે તો અમે હુમલો કરીશું. જો તે રોકેટ છોડશે, ટનલ ખોદશે, રોકેટ લઈ જતી ટ્રક લાવશે,તો અમે હુમલો કરીશું.


નેતન્યાહુએ યુદ્ધવિરામ માટે ત્રણ કારણો આપ્યા

બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધવિરામ માટે ત્રણ કારણો આપ્યા હતા. “પહેલું કારણ ઈરાની જોખમ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, અને હું તેના પર વિસ્તૃત રીતે કહીશ નહીં. બીજું કારણ એ છે કે આપણા દળોને રાહત આપવી અને સ્ટોક ફરી ભરવો. હું ખુલ્લેઆમ કહું છું કે શસ્ત્રો અને યુદ્ધ સામગ્રીની ડિલિવરીમાં મોટો વિલંબ થયો છે. આ સમસ્યા ટૂંક સમયમાં ઉકેલાઈ જશે. અમને અદ્યતન હથિયારોનો પુરવઠો મળશે જે અમારા સૈનિકોને સુરક્ષિત રાખશે અને અમને અમારા મિશનને અમલમાં મૂકવા માટે વધુ સ્ટ્રાઇક ફોર્સ આપશે. વધુમાં, યુદ્ધવિરામનું ત્રીજું કારણ મોરચાને અલગ કરવા અને હમાસને અલગ પાડવાનું છે.

બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું હતું કે યુદ્ધના બીજા દિવસથી હમાસ તેની બાજુએ લડવા માટે હિઝબુલ્લાહ પર આધાર રાખે છે. હિઝબુલ્લાહના બહાર નીકળ્યા પછી હમાસ હવે એકલો રહી ગયો છે. અમે હમાસ પર અમારું દબાણ વધારીશું અને તે અમારા બંધકોને મુક્ત કરવાના અમારા મિશનમાં મદદ કરશે.

આ પણ વાંચોઃ હિઝબુલ્લાહે ઈઝરાયેલ પર છોડ્યા 250 રોકેટ, યુદ્ધવિરામની વાટાઘાટો વચ્ચે મોટો હુમલો

Back to top button