માત્ર 1000 રૂપિયાનું રોકાણ 14 વર્ષમાં જ આજે રૂ. 2,450 કરોડ થઈ જાત, જો તમે…
નવી દિલ્હી, 25 નવેમ્બર, 2024: 2010માં અર્થાત માત્ર 14 વર્ષ પહેલાં જો તમે બિટકોઇનમાં માત્ર 1000 રૂપિયાનું રોકાણ investment in Bitcoin કર્યું હોત તો આજે તે વધુને કેટલું થયું હોત જાણો છો? બિટકોઇનમાં કરેલું એ 1000 રૂપિયાનું રોકાણ આજે વધીને અધધ રૂ. 2,450 કરોડ થઈ ગયું હોત! 2009માં વર્ચ્યુઅલ કરન્સી તરીકે લોન્ચ થયેલા બિટકોઇન વિશે મોટાભાગના લોકો આશંકા સેવતા હતા. કોઈ એ સમજી શકતું નહોતું કે આવી કરન્સી કેવી રીતે કામ આવી શકે? એક વર્ષ પછી એટલે કે 2010માં એક રૂપિયા કરતાં ઓછી કિંમતે તેનું ટ્રેડિંગ શરૂ થયું હતું. અને હવે આજે 2024માં આંતરરાષ્ટ્રીય સ્તરે બિટકોઇન ધૂમ મચાવી રહ્યા છે અને એક બિટકોઇનની કિંમત 1,00,000 (એક લાખ ડૉલર) છે. આ રીતે તમે જો 2010માં બિટકોઇનમાં રૂપિયા 1000નું રોકાણ કર્યું હોત તો આજે તેની કિંમત કેટલાગણી હોત?
કેવી રીતે વધતી ગઈ બિટકોઇનની કિંમત?
2010માં પ્રતિ બિટકોઇનનો ભાવ 0.08 ડૉલર હતો, જે ભારતીય રૂપિયામાં ત્યારે 3.38 થાય. (2010માં ડૉલર – રૂપિયાનો વિનિમય દર રૂ. 42 હતો). આમ રૂ. 1000માં તમે ત્યારે 295.85 બિટકોઇન ખરીદી શક્યા હોત.
બિટકોઇનના આજના ભાવઃ
ચાલુ મહિનામાં, અર્થાત નવેમ્બર 2024માં બિટકોઇન 98,000 ડૉલરે ટ્રેડ કરે છે. એ 98,000 ડૉલરને હાલના વિનિમય દર રૂ. 84.45થી ગણવામાં આવે તો 82,76,100 રૂપિયા થાય. આમ તમારા 295.85 બિટકોઇનની આજની કિંમત આ પ્રમાણે ગણાયઃ 295.85 BTC X Rs 82,76,100 = Rs. 24,47,32,78,185 (અર્થાત રૂ. 2,447 કરોડ).
હવે ગણો કે તમારા રોકાણ ઉપર કેટલું વળતર મળ્યું?
તમારું પ્રારંભિક રૂપિયા 1000નું રોકાણનું મૂલ્ય આજે 14 વર્ષમાં વધીને રૂ. 2,447 કરોડ થાત. ટકાવારીમાં જોઇએ તો આ વળતર 244,732,78,085 ટકા (અર્થાત 24.47 અબજ ટકા) થયું ગણાય. આ બાબતને એ રીતે સમજી શકાય કે, તમે શૅર બજાર, રિયલ એસ્ટેટ, સોના-ચાંદીમાં રોકાણ કર્યું હોય તો પણ આટલા ગાળામાં બિટકોઇનનું જે વળતર છે તેના જેટલું વળતર મળી જ ન શકે.
કેવી રીતે આગળ વધ્યા બિટકોઇન?
1. 2010: બિટકોઇનનું સૌપ્રથમ ટ્રાન્ઝેક્શન બે પિઝા ખરીદવા માટે થયું હતું અને ત્યારે એ માટે 10,000 BTC ચૂકવવામાં આવ્યા હતા.
2. 2017: ક્રિપ્ટો કરન્સીની બૂમ દરમિયાન બિટકોઇને સૌપ્રથમ વખત પ્રતિ કોઇન 20,000 ડૉલરનો આંક વટાવ્યો.
3. 2020-2021: સંસ્થાકીય સ્વીકૃતિ વધવા લાગી, જેમાં ટેસ્લા અને સ્ક્વેર દ્વારા બિટકોઇનમાં રોકાણ શરૂ કરવામાં આવ્યું.
4. 2023: યુએસ SEC દ્વારા બિટકોઇન ETFને મંજૂરી આપવામાં આવી, પરિણામે સંસ્થાકીય રોકાણોને ભારે પ્રોત્સાહન મળ્યું.
5. 2024: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજય બાદ બિટકોઇન 98,000 પ્રતિ ડૉલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો.
રોકાણકારોએ શું કરવું જોઇએ?
1. ઊંચું જોખમ, વધુ વળતરઃ બિટકોઇનના ટ્રેડિંગમાં ભારે ઊતારચડાવ રહે છે, જેને કારણે તે જોખમી ટ્રેડિંગ બની રહે છે.
2. લાંબાગાળાનો વ્યૂહઃ અસાધારણ વળતર ત્યારે જ મળે જ્યારે રોકાણકાર એક દાયકા કરતાં વધુ સમય સુધી રોકાણ કરવા તૈયાર હોય. બિટકોઇનના ભાવોની વધઘટને કારણે ઘણા રોકાણકોરોનો વિશ્વાસ ડગી જાય છે.
3. ડાયવર્સિફિકેશનઃ બિટકોઇનનું વળતર અસાધારણ છે છતાં કોઇ એક જ એસેટમાં રોકાણ કરવાનું જોખમી સાબિત થઈ શકે છે.
4. નિયંત્રણઃ ભારતમાં બિટકોઇન અંગે હાલ કોઈ નિયંત્રણકારી વ્યવસ્થા નથી. ભારતીય રિઝર્વ બેંકે (RBI) તેના ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકેલો છે, જ્યારે બીજી તરફ નાણા મંત્રાલયે ક્રિપ્ટો કરન્સી ઉપર ભારે કર લાદેલો છે. હાલ, ક્રિપ્ટોના નફા ઉપર 30 ટકા જેટલો ભારે ટેક્સ લાગે છે. ઉપરાંત ક્રિપ્ટોના વેચાણ સમયે અમુક રકમ ઉપર એક ટકા ટીડીએસ પણ લાગે છે.
બિટકોઇન કેવી રીતે ખરીદવા?
બિટકોઇન ખરીદવા માટે ભારતીય રોકાણકારો પાસે Binance, CoinSwitch, CoinDCX તથા Zebpay જેવા પ્લેટફોર્મ ઉપલબ્ધ છે. આ તમામ પ્લેટફોર્મ ઉપર KYC ફરજિયાત હોય છે અને ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન માટે ફી ચૂકવવી પડતી હોય છે.
આ પણ વાંચોઃ કેનેડામાં ખાલિસ્તાની આતંક રોકોઃ જાણો કયા દેશમાં મોટી સંખ્યામાં હિન્દુઓએ કર્યું પ્રદર્શન?