ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બંધારણના આમુખમાંથી ‘સમાજવાદ’ અને ‘સેક્યુલર’ શબ્દો નહીં હટેઃ સુપ્રીમ કોર્ટે તમામ PIL ફગાવી

  • આવતીકાલે 26 નવેમ્બરે બંધારણ દિવસ છે તેની પૂર્વસંધ્યાએ જ સુપ્રીમ કોર્ટે અરજદારોને આપ્યો આંચકો

નવી દિલ્હી, 25 નવેમ્બર, 2024: બંધારણના આમુખમાંથી ‘સમાજવાદ’ અને ‘સેક્યુલર’ શબ્દો હટાવવાની દાદ માગતી જાહેર હિતની અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. (SupremeCourt Dismisses Pleas Challenging Inclusion Of Words ‘Socialist’ And ‘Secular’ In Constitution’s Preamble)  આવતીકાલે 26 નવેમ્બરે બંધારણ દિવસ છે અને આજે આ અંગેનો ચુકાદો આપતા કોર્ટે આ શબ્દો દૂર કરવા ઇનકાર કરી દીધો છે.

ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી દરમિયાન 1976માં બંધારણનો 42મો સુધારો દાખલ કરીને આમુખમાં “સમાજવાદ” અને “સેક્યુલર” શબ્દો ઉમેરી દેવામાં આવ્યા હતા. આ શબ્દો હટાવી દેવા જોઇએ કેમ કે તે મૂળ બંધારણનો ભાગ નહોતા તેવી દાદ માગતી જાહેર હિતની અરજીઓ કરવામાં આવી હતી જેને આજે સોમવારે મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ પીવી સંજય કુમારની બેન્ચ ફગાવી દીધી હતી.

સુપ્રીમ કોર્ટે જોકે, તેના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, બંધારણમાં સુધારો કરવાનો અધિકાર સંસદ પાસે છે. અલબત્ત કોઇપણ સુધારાથી બંધારણના મૂળ ભાવમાં ફેરફાર ન થવો જોઇએ.

સુપ્રીમ કોર્ટના મતે 1949ની 26 નવેમ્બરે જે પ્રસ્તાવના હતી તે પ્રસ્તાવના પુનઃ સ્થાપિત કરવા આ શબ્દો હટાવી શકાય નહીં. એ વાત સાચી છે કે, બંધારણસભાએ 26 નવેમ્બર, 1949ના રોજ બંધારણ દેશને સોંપી દીધું હતું, પરંતુ કલમ 368 હેઠળ આપવામાં આવેલા અધિકારને આ તારીખ દ્વારા દૂર ન કરી શકાય.

ભાજપના ભૂતપૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી, સામાજિક કાર્યકર બલરામ સિંહ તથા એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે જાહેર હિતની અરજીઓ દાખલ કરીને 1976માં કરવામાં આવેલા 42મા સુધારા દ્વારા બંધારણના મૂળ આત્માને ખતમ કરી દેવામાં આવ્યો હતો, અને તેથી પ્રસ્તાવનામાંથી સમાજવાદ અને સેક્યુલર શબ્દો હટાવી દેવા જોઇએ.

સુબ્રમણ્યમ સ્વામીએ તેમની અરજીમાં કહ્યું હતું કે, બંધારણ જે દિવસે અપનાવવામાં આવ્યું હતું તે દિવસે જે પ્રસ્તાવના હતી તેમાં પછીથી ફેરફાર કરી દેવામાં આવ્યો છે. જ્યારે એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે તેમની અરજીમાં દલીલ કરી હતી કે, તેમને સમાજવાદી અને સેક્યુલર શબ્દો સામે વાંધો નથી, પરંતુ એ શબ્દો જે રીતે સામેલ કરી દેવામાં આવ્યા હતા તેની સામે વાંધો છે.

આ પણ વાંચોઃ સંભલ હિંસાઃ સપા સાંસદ જિયા ઉર રહેમાન સહિત સેંકડો તોફાનીઓ વિરુદ્ધ FIR દાખલ

Back to top button