ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: ગ્રાહકો પાસેથી કાર બુકીંગના નામે રૂ.20 લાખ લઇ છેતરપિંડી કરાઇ

Text To Speech
  • રિલેશનશીપ મેનેજર તરીકે ફરજ બજાવતા વ્યક્તિએ કાર બુકિંગના નામે છેતરપિંડી કરી
  • છેલ્લાં ત્રણ મહિનામાં 20.35 લાખની રકમ ઓનલાઇન અને રોકડમાં લીધી
  • ગાડી શો-રૂમના મેનેજરે વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલા કારના શો રૂમમાં સિનિયર રિલેશનશીપ મેનેજર તરીકે ફરજ બજાવતા વ્યક્તિએ કાર બુક કરાવવાના નામે એડવાન્સમાં રૂપિયા 20.35 લાખ જેટલી રકમ લઇને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ મથકે નોંધવામાં આવી છે.

ગ્રાહકો પાસેથી નાણાં લઇને કાર ડીલરશીપમાં નોકરી કરતો વ્યક્તિ ફરાર થયો

ગ્રાહકો પાસેથી નાણાં લઇને કાર ડીલરશીપમાં નોકરી કરતો વ્યક્તિ ફરાર થઇ ગયો હોવાથી પોલીસે તેની તપાસ શરૂ કરી છે. સોલા વિસ્તારમાં રહેતા અને એસ જી હાઇવે બોડકદેવમાં આવેલા કિરણ મોટર્સમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ધનદીપસિંહ રાજપુતે વસ્ત્રાપુર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમના શો-રૂમમાં છેલ્લાં દોઢ વર્ષથી સિનિયર રિલેશનશીપ મેનેજર તરીકે નોકરી કરતા મિતેષ રાવલે (રહે. આકાશગંગા એપાર્ટમેન્ટ, બાપુનગર) ગ્રાહકો સાથે છેતરપિંડી કરી છે.

છેલ્લાં ત્રણ મહિનામાં 20.35 લાખની રકમ ઓનલાઇન અને રોકડમાં લીધી

છ જેટલા ગ્રાહકો પાસેથી કાર બુકીંગ અને ડાઉન પેમેન્ટના નામે છેલ્લાં ત્રણ મહિનામાં 20.35 લાખની રકમ ઓનલાઇન અને રોકડમાં લઇને કાર નહી આપીને છેતરપિંડી કરી હતી. એટલું જ નહી તે શંકાસ્પદ રીતે રજા પર ઉતરીને મોબાઇલ સ્વીચ ઓફ કરીને ગાયબ પણ થઇ ગયો હતો. આ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: ગુજરાત: ખેતરમાં તુવેરની આડમાં ખેડૂતે ગાંજાની ખેતી કરતા ધરપકડ કરાઇ 

Back to top button