ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ હશે? કયા નેતાઓ CM પદની રેસમાં છે? જૂઓ યાદી

  • એક તરફ ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે અને બીજી તરફ આગામી મુખ્યમંત્રી અંગે ચર્ચા ચાલી રહી છે

મુંબઈ, 23 નવેમ્બર: મહારાષ્ટ્રમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામો આજે શનિવારના રોજ બહાર આવી રહ્યા છે. રાજ્યમાં મુખ્ય મુકાબલો ભાજપ, શિવસેના(શિંદે જુથ) અને NCP(અજિત પવાર)ના ગઠબંધન ‘મહાયુતિ’ અને કોંગ્રેસની મહાવિકાસ અઘાડી, શિવસેના (UBT) અને NCP (શરદ પવાર) વચ્ચે છે. એક તરફ ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે અને બીજી તરફ ચર્ચા ચાલી રહી છે કે, મહાયુતિ ચૂંટણી જીતી રહી છે કે MVA અને મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ હશે.

1. એકનાથ શિંદે

એકનાથ શિંદે હાલમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન છે અને શિવસેના(શિંદે જુથ) પક્ષના વડા પણ છે. એકનાથ શિંદેએ 2.5 વર્ષ પહેલા મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો હતો અને પાર્ટીના મોટાભાગના ધારાસભ્યો સાથે ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી. બાદમાં શિવસેનાનું ચૂંટણી ચિહ્ન અને નામ માત્ર શિંદે જૂથને જ આપવામાં આવ્યું હતું. એકનાથ શિંદે પાસે ભાજપ કરતા ઘણા ઓછા ધારાસભ્યો હતા. જો કે તેમ છતાં તેમને મુખ્યમંત્રી પદ આપવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, ચૂંટણીમાં જીત બાદ મહાયુતિ આ પેટર્નને આગળ વધારી શકે છે.

2. દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ 2014થી 2019 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. આ પછી, 2019માં વિધાનસભા ચૂંટણી પછી તેઓ થોડા દિવસો માટે સીએમ બન્યા. જ્યારે શિવસેના પાર્ટી તૂટી ત્યારે ભાજપ અને શિવસેના(શિંદે જુથ)ની સરકાર બની. જ્યારે એકનાથ શિંદે સીએમ બન્યા ત્યારે દેવેન્દ્ર ફડણવીસને ડેપ્યુટી સીએમ પદ આપવામાં આવ્યું હતું. મહત્ત્વપૂર્ણ છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય જનતા પાર્ટીમાં દેવેન્દ્ર ફડણવીસનું કદ ઘણું વધી ગયું છે. મળતી માહિતી મુજબ, ભાજપ ફરી એકવાર મહારાષ્ટ્રની કમાન દેવેન્દ્ર ફડણવીસને આપવા પર વિચાર કરી શકે છે.

3. અજિત પવાર

એકનાથ શિંદેની જેમ, અજિત પવારે પણ પોતાના કાકા શરદ પવાર સામે બળવો કર્યો અને NCPના મોટાભાગના ધારાસભ્યો સાથે ભાજપ અને શિવસેના સરકારનો ભાગ બન્યા. બાદમાં તેમને NCPનું ચૂંટણી ચિન્હ અને નામ પણ મળ્યું. મહારાષ્ટ્ર સરકારમાં અજિત પવારને ડેપ્યુટી સીએમનું પદ આપવામાં આવ્યું હતું. આ વખતે તેઓ ભાજપ અને શિવસેના સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહ્યા છે. અજિત પવાર ઘણી વખત મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે.

4. ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરેને શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેનો વારસો મળ્યો છે. વર્ષ 2019માં, ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સાથે લગભગ બે દાયકાથી ચાલી રહેલું જોડાણ તોડી નાખ્યું અને કોંગ્રેસ-એનસીપી સાથે સરકાર બનાવી. આ પછી, ઉદ્ધવ ઠાકરેએ 2019થી 2022 સુધી મહારાષ્ટ્રના 19મા મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી. જો કે, એકનાથ શિંદેની સાથે પાર્ટીના અસંતુષ્ટ  ધારાસભ્યોએ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો. આ પછી શિવસેના પક્ષ એકનાથ શિંદે પાસે ગયો અને ઉદ્ધવે નવો પક્ષ શિવસેના (UBT) બનાવ્યો. ઉદ્ધવ જૂથના વિવિધ નેતાઓએ ચૂંટણી પ્રચાર દરમિયાન દાવો કર્યો હતો કે, જો રાજ્યમાં MVA સરકાર બનશે તો ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનશે.

4. નાના પટોલે

નાના પટોલે એક સમય માટે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓમાંના એક હતા. તેઓ પાર્ટીના ધારાસભ્ય હતા અને 2014થી 2019 વચ્ચે લોકસભાના સાંસદ પણ બન્યા હતા. જોકે, વર્ષ 2019માં નાના પટોલે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. નાના પટોલે હાલમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ છે અને મુખ્યમંત્રી પદની રેસમાં કોંગ્રેસ તરફથી સૌથી મોટું નામ છે.

આ પણ જુઓ: કેરળની વાયનાડ સીટ પરથી પ્રિયંકા ગાંધીને મોટી લીડ, ભાજપને આંચકો

Back to top button