સુરતમાં બુટલેગરો અને વૉન્ટેડ તત્ત્વો સામે સકંજો, 100થી વધુ પોલીસકર્મીઓ દ્વારા સર્ચ ઓપરેશન
- પોલીસે ચાર ડ્રોનની મદદથી વિસ્તારમાં શંકાસ્પદ જગ્યાઓ પર એરિયલ ચેકિંગ પણ કર્યું
- 50 જેટલાં હિસ્ટ્રીશીટરની યાદી સાથે 1600થી વધુ ઘરોની તપાસ કરાઈ
- મધરાતે બે વાગ્યાથી પરોઢિયે પાંચ વાગ્યા સુધી 100થી વધુ પોલીસકર્મીઓ દ્વારા સર્ચ ઓપરેશન
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા પાટા પર લાવવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે બુટલેટરો તેમજ વૉન્ટેડ અને અસામાજિક તત્ત્વો પર સકંજો કસવાનો આદેશ આપ્યો છે. આ આદેશ બાદ સુરતના ભેસ્તાનમાં મધરાતે બે વાગ્યાથી પરોઢિયે પાંચ વાગ્યા સુધી 100થી વધુ પોલીસકર્મીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.
50 જેટલાં હિસ્ટ્રીશીટરની યાદી સાથે 1600થી વધુ ઘરોની તપાસ કરાઈ
આ દરમિયાન 50 જેટલાં હિસ્ટ્રીશીટરની યાદી સાથે 1600થી વધુ ઘરોની તપાસ કરાઈ હતી. આ દરમિયાન 4 નાઈટ વિઝન ડ્રોનની મદદથી સમગ્ર વિસ્તારનું પણ ચેકિંગ કરાયું હતું. બાદમાં કેટલાક લોકોની અટકાયત કરાઈ હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું. સુરત શહેરના ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કુખ્યાત ભેસ્તાન આવાસ વિસ્તારમાં DCP ઝોન-2 વિસ્તારના ડીંડોલી, લિંબાયત, ઉધના, ગોડાદરા, સલાબતપુરા પોલીસ સ્ટેશનોના કર્મચારીઓની અલગ-અલગ 7 ટીમો બનાવીને આ સર્ચ ઓપરેશન કરાયું હતું.
પોલીસે ચાર ડ્રોનની મદદથી વિસ્તારમાં શંકાસ્પદ જગ્યાઓ પર એરિયલ ચેકિંગ પણ કર્યું
આ દરમિયાન પોલીસ પોતાની સાથે બુટલેગરો સહિતના હિસ્ટ્રીશીટરોની યાદી લઈને પહોંચી હતી, જેમાં આ વિસ્તારના ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોના નામ હતા. આ યાદીમાં હતા તેવા 50થી વધુ લોકોની પૂછપરછ કરાઈ હતી. એટલું જ નહીં, પોલીસે ચાર ડ્રોનની મદદથી વિસ્તારમાં શંકાસ્પદ જગ્યાઓ પર એરિયલ ચેકિંગ પણ કર્યું હતું. ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, ભેસ્તાન આવાસ જે ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે, ત્યાં કોમ્બિંગ રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમે ચેકિંગમાં જોયું કે કોઈ પ્રતિબંધિત વસ્તુ છે કે નહીં. ખાસ કરીને આ વિસ્તારના એરિયાના વ્યૂ અને એરિયા ચેકિંગ માટે નાઈટ વિઝન ડ્રોનનો પણ ઉપયોગ કરાયો હતો. આ સાથે અમે વાહન ચેકિંગ અને બહારની બાજુ આખો વિસ્તાર કોર્ડન કરી આખા ભેસ્તાન વિસ્તારને ઘેરી લીધો હતો. અમે કેટલાકની અટકાયત પણ કરી છે, જેમની પૂછપરછ શરૂ કરાઈ છે.
આ પણ વાંચો: અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલના સંચાલક તેના ખાસ વિશ્વાસુ આ 3 લોકોથી આખું નેટવર્ક ચલાવતા