બ્રહ્માકુમારીઝ દેશભરના 8000 સેવા કેન્દ્રો પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવશે
પાલનપુર: વિશ્વની મહિલા સંચાલિત અધ્યાત્મ સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા આગામી તારીખ 13 થી 15 ઓગસ્ટ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દેશભરના તેના 8000 સેવા કેન્દ્ર તથા બ્રહ્માકુમાર ભાઈ -બહેનો પોતાના ઘેર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી ‘હર ઘર તિરંગા‘ કાર્યક્રમમાં ભાગ લેશે.
‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાવાનો પૂ. દાદીનો અનુરોધ
બ્રહ્માકુમારીઝના વડા ડો. રતન મોહિનીજીએ આબુ તળેટી સ્થિત શાંતિવન ખાતે ડાયમંડ હોલમાં અધ્યાત્મ સમારંભને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભારત દેશ એ હંમેશા વિશ્વને શાંતિનો સંદેશ આપેલ છે. અને માનવ માત્રના સર્વાંગી વિકાસ સાથે એકતા, સદભાવ, પરસ્પર સ્નેહ અને શ્રેષ્ઠ સંસ્કૃતિની પ્રેરણા આપી છે. દાદીજીએ દેશભરના માનવ સમુદાયને 13 થી 15 ઓગસ્ટ સુધી યોજાયેલ ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવા અનુરોધ કર્યો છે.
બ્રહ્માકુમારીઝ મીડિયાના શશીકાંત ત્રિવેદીના જણાવ્યા મુજબ, બ્રહ્માકુમાર ભાઈ -બહેન ઘર પર દાદીજીના આદેશ મુજબ વિશાળ સંખ્યામાં તિરંગા ફરકાવવાની સાથે દેશભાવના, દેશ સેવા અને ભારત પર ફરી સતયુગી દિવ્ય સંસ્કૃતિની સ્થાપના કરવાનો સામુહિક દ્રઢ સંકલ્પ લેવડાવવામાં આવશે. જેની સંખ્યા કરોડોમાં થશે.