મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મામલતદાર કચેરી પર પહોંચ્યા અને બોગસ ખેડૂતો સામે…


પોતાના કામના કારણે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે આજે ખેડૂતોની ફરિયાદના પગલે રાજેન્દ્ર ત્રિવેદી જાતે જ તપાસ કરવા માટે મામલતદાર કચેરી પર પહોંચ્યા હતા. ગત ઓક્ટોબરમાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યુ હતું કે, મહેસૂલ વિભાગનો કોઇપણ અધિકારી કે કર્મચારી કામ કરાવવા માટે પૈસા માગે તો એનું વીડિયો રેકોર્ડિંગ કરીને મને અને મારા વિભાગને મોકલજો. આવા અધિકારીઓ કે કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવશે. ત્યારે આ મામલે એક્ટિવ રીતે કામ કરી રહેલા મહેસૂલ મંત્રી ખુદ ફરી એકવાર જાત તપાસ કરવા માટે ખેડા પહોંચ્યા.
આ પણ વાંચો : રાજ્યમાં આજથી ફરી મેઘાનું જોર વધશે : સૌરાષ્ટ્ર -કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની વકી
બોગસ ખેડૂતો સામે કાર્યવાહી
ખેડામાં બોગસ ખેડૂત ખાતેદાર બન્યા હોવાની ફરિયાદ મળી હતી જે અંગે તપાસ કરવા ખુદ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ખેડાના માતર ગામની મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. 500થી વધુ બોગસ ખેડૂત ખાતેદારો બન્યાની ફરિયાદ મળી હતી. જમીન ખરીદવા માટે ખોટા ખેડૂત બનાવ્યા હોવાના કૌભાંડ સામે આવ્યુ છે જે અંગેની તપાસ કરવા રાજેન્દ્ર ત્રિવેદી માતરની મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. અહીં આવીને તેઓએ રેકોર્ડની ચકાસણી તેમજ અધિકારીઓ સાથે વાતચીત કરી. ત્યારબાદ તેઓ કલેક્ટર કચેરી નડિયાદ ખાતે પણ તેઓ મુલાકાત લઇ શકે છે. જે જમીનો બોગસ દસ્તાવેજના આધારે ખરીદવામાં આવી છે ત્યાં પણ મહેસૂલ મંત્રી જઇ શકે છે. હાલ તો મહેસૂલી કાયદા અનુસાર વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
જાતે જ તપાસમાં પહોંચ્યા મહેસૂલ મંત્રી
કૌભાંડની વિગતે વાત કરીએ તો તત્કાલિન સમયે ટીમ દ્વારા દસ્તાવેજી પુરાવા જપ્ત કરવામાં આવ્યા હતા, લગભગ 1 હજાર જેટલા દસ્તાવેજોની પીડીએફ ફાઇલ મેળવવામાં આવી હતી. ત્યારબાદ ગાંધીનગર ખાતે સમગ્ર તપાસ સોંપવામાં આવી હતી. તે બાદ માતર મામલતદાર દ્વારા જે ખેડૂત ખાતેદારો શંકાસ્પદ જણાયા તેઓને નોટિસ ફટકારીને અસલી દસ્તાવેજી પુરાવા માંગવામાં આવ્યા હતા. જેમાંથી જે ખેડૂતોએ પુરાવા રજૂ ન કર્યા તેઓ વિરુદ્ધ ગણોતધારા અને અન્ય કલમો હેઠળ નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી. તે બાદ ગાંધીનગર મહેસૂલ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે આ મામલે ખુદ મહેસૂલ મંત્રીએ જાત તપાસ માટે માતર પહોચ્યા હતા. ત્યારે હવે આગામી સમયમાં બોગસ ખેડૂત સાબિત થનારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ, મહેસૂલી કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.