ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

વાવ વિધાનસભા પેટા ચૂંટણીઃ જાણો ક્યાં અને કેટલા રાઉન્ટમાં યોજાશે મતગણતરી?

  • સી.સી.ટી.વી કેમેરાથી સુસજ્જ મતગણતરી કેન્દ્ર ખાતે ૪૦૦ પોલીસ જવાનો સહિત ૧૫૯થી વધુ અધિકારી/કર્મચારીઓ મતગણતરી પ્રક્રિયામાં ભાગ લેશે 

પાલનપુર, 22 નવેમ્બર, 2024: ભારતના ચૂંટણીપંચ દ્વારા ૦૭- વાવ વિધાનસભા મતવિભાગ પેટા ચૂંટણી-૨૦૨૪ની મતગણતરી આવતીકાલે ૨૩/૧૧/૨૦૨૪ને શનિવારે  સરકારી ઈજનેરી કોલેજ, જગાણા, તાલુકો પાલનપુર ખાતે હાથ ધરવામાં આવશે. મતગણતરી કેન્દ્ર ખાતે કુલ ૩૨૧ બુથની ૨૩ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી મતગણતરી માટે વિવિધ અધિકારી/કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. કુલ ૧૫૯થી વધુ અધિકારી/કર્મચારીઓ મતગણતરી પ્રક્રિયામાં ભાગ લેશે જેમાં ૫૯ કર્મચારીઓનો કાઉન્ટિંગ સ્ટાફની નિમણૂક કરાઇ છે.

સી.સી.ટી.વી કેમેરાથી સુસજ્જ મતગણતરી કેન્દ્ર ખાતે ૪૦૦ પોલીસ જવાનો, CAPF, SRP જવાનો ફરજ બજાવશે. આ સાથે મતગણતરી સંબંધી માહિતી અને ફરિયાદ માટે જિલ્લા કક્ષાએ એક કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. આ માટે ૧૯૫૦ હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે.

ગત 13 નવેમ્બરને બુધવારે વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ૭૦.૫૫ જેટલું મતદાન નોંધાયું હતું. વાવ પેટા ચૂંટણીમાં કુલ ૨,૧૯,૨૬૬ જેટલું મતદાન નોંધાયું હતું જેમાં પુરુષ ૧,૨૦,૬૧૯ તથા ૯૮,૬૪૭ સ્ત્રી મતદાન નોંધાયું હતું. આવતીકાલે શનિવારે સવારે ૮ વાગ્યાથી મત ગણતરી શરૂ કરવામાં આવશે.

જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલ દ્વારા મત ગણતરીની તૈયારીઓનું નિરીક્ષણ 

આ અગાઉ આજે શુક્રવારે મત ગણતરીની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ માટે જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલએ જનરલ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો કર્યા હતા. તેમણે મતગણતરી કેન્દ્ર, સ્ટ્રોંગ રૂમ, મીડિયા સેન્ટર અને સી.સી. ટી.વી. સેન્ટરની મુલાકાત લીધી હતી.

ચેનલમાં જોડાવા અહીં ક્લિક કરોઃ https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S

Hum Dekhenge ઍપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો:’ https://play.google.com/store/apps/details?id=com.humdekhenge.hdnews

આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ૨૩ નવેમ્બરના રોજ સવારે ૮.૦૦ કલાકે મતગણતરીની શરૂઆત થશે જેમાં સૌથી પહેલા ૮.૦૦ થી ૮.૩૦ દરમિયાન પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે જ્યારે ૮.૩૦થી ઈ.વી.એમના રાઉન્ડની મત ગણતરી હાથ ધરવામાં આવશે. આ મુલાકાત વેળાએ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, સુઈગામ પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ PM કિસાન યોજના માટેના એગ્રીસ્ટેક-ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર ખામી સર્જાય : ખેડૂતોની નોંધણી અટકી

Back to top button