કેશકાંડમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સહિતનાઓને BJP નેતા તાવડેની નોટિસ
મુંબઈ, 22 નવેમ્બર : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન પૈસાની વહેંચણીના આરોપોથી ઘેરાયેલા ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડેએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પ્રવક્તાને કાનૂની નોટિસ મોકલી છે. કાનૂની નોટિસમાં તાવડેએ કહ્યું છે કે મારા પર લાગેલા આરોપોના પુરાવા આપો અથવા તમે ત્રણેય માફી માગો. તાવડેના જણાવ્યા અનુસાર, માફી નહીં માંગવા પર કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવશે. આ માનહાનિની નોટિસ 100 કરોડ રૂપિયાની છે.
લીગલ નોટિસમાં શું છે?
વિનોદ તાવડેએ કહ્યું છે કે હું 40 વર્ષથી રાજકારણમાં છું અને આજ સુધી મારા પર કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચારનો આરોપ નથી લાગ્યો. મેં આખી જિંદગી સાદગી સાથે રાજકારણ કર્યું છે. તે દિવસની ઘટના અંગે મારા પરના આક્ષેપો ખોટા છે.
તાવડેએ તેમની નોટિસમાં કહ્યું છે કે ખોટા આરોપો દ્વારા મારી છબીને ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તેથી કૃપા કરીને તે બાબતોના પુરાવા આપો અથવા માફી માગો. આમ કરવામાં નિષ્ફળતા પર રૂ.100 કરોડનો માનહાનિનો દાવો કરવામાં આવશે.
શું છે આ સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે, 18 નવેમ્બરના રોજ વિનોદ તાવડે નાલાસોપારા વિધાનસભાના વિરારની એક હોટલમાં બેઠા હતા. આ દરમિયાન બહુજન વિકાસ આઘાડીના સ્થાનિક ધારાસભ્ય ક્ષિતિજ ઠાકુર ત્યાં પહોંચ્યા હતા. ઠાકુર અને તેમના સમર્થકોનો આરોપ છે કે તાવડે હોટલમાં પૈસા વહેંચી રહ્યા હતા. આ દરમિયાન ઠાકુરના સમર્થકોએ તાવડેને ઘેરી લીધા હતા.
બહુજન વિકાસ અઘાડીના પ્રમુખ હિતેન્દ્ર ઠાકુરે એક નિવેદનમાં કહ્યું કે અમને સમાચાર મળ્યા હતા કે વિનોદ તાવડે પૈસા વહેંચી રહ્યા છે, ત્યારબાદ અમારા સમર્થકો ત્યાં ગયા હતા. અમારા સમર્થકોએ ત્યાંથી 9 લાખ રૂપિયા વસૂલ કર્યા હતા, જે વહીવટીતંત્રને સોંપવામાં આવ્યા હતા.
ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે આ દરમિયાન એક ડાયરી પણ મળી આવી હતી જેમાં ટ્રાન્ઝેક્શનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે વિનોદ તાવડેએ કહ્યું કે તેઓ કાર્યકર્તાઓની બેઠક લઈ રહ્યા છે. હંગામા બાદ ચૂંટણી પંચે એફઆઈઆર નોંધી હતી. જેમાં આચારસંહિતાના ભંગનો આક્ષેપ થયો હતો.
રાહુલ-ખડગેએ પ્રશ્ન ઉઠાવ્યો હતો
દરમિયાન રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ વિનોદ તાવડેને લઈને વાયરલ થયેલા વીડિયો પર સવાલો ઉઠાવ્યા હતા. સવાલ ઉઠાવતા રાહુલે પૂછ્યું હતું કે આ પૈસા કયા સેફ હાઉસમાંથી આવ્યા છે? ખડગેએ પોતાની પોસ્ટમાં કહ્યું હતું કે 5 કરોડની વહેંચણી કરનારા બીજેપી નેતાઓ સામે કાર્યવાહી કેમ નથી થઈ રહી? આ સમગ્ર મામલે કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
આ પણ વાંચો :- PM કિસાન યોજના માટેના એગ્રીસ્ટેક-ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર ખામી સર્જાય : ખેડૂતોની નોંધણી અટકી