અ…ધ..ધ..રૂપિયા 16 લાખની લાંચ લેતો દાંતાનો આચાર્ય અને કચેરીનો પટાવાળો ઝડપાયો
પાલનપુર: શિક્ષણ જગતની બદનામી કરતો લાંચનો કિસ્સો બનાસકાંઠા જિલ્લામાં સામે આવ્યો છે. દાંતાની સર ભવાનીસિંહ વિદ્યાલય ના આચાર્યએ ફરિયાદીના પુત્રને કલાર્ક તરીકે નોકરી આપવાના બહાને અ…ધ..ધ…. 16 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ લાંચના કિસ્સામાં વળી શિક્ષણાધિકારીની કચેરીનો ફરજ મુક્ત થયેલો પટાવાળો પણ ઝડપાઈ ગયો હતો. એસીબીએ લાંચનું છટકું પાલનપુર સર્કિટ હાઉસમાં ગોઠવ્યું હતું. અને બંને લાંચિયાઓને ઝડપી લીધા હતા.
પાલનપુર સર્કિટ હાઉસમાં એસીબીએ ગોઠવ્યું હતું લાંચનું છટકુ
આ લાંચ કેસની વિગત જોવા જઈએ તો દાંતામાં સર ભવાનીસિંહ વિદ્યાલય આવેલી છે. જેમાં ફરિયાદીના દીકરાને ક્લાર્ક તરીકે નોકરી અપાવવાના શાળાના આચાર્ય શૈલેષચંદ્ર ચંદ્રવદન મહેતા એ શિક્ષણાધિકારીની કચેરીના ફરજ મોકૂફ થયેલા પટાવાળાને સાથે રાખી 16 લાખ જેટલી માતબર રકમની લાંચની માગણી કરી હતી. જોકે આટલી મોટી રકમ ફરિયાદી આપવા માંગતાં ના હોય તેમણે પાલનપુરની એસીબી કચેરીમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી એસીબીના અધિકારી જે. પી. સોલંકી અને સ્ટાફે પાલનપુરના સર્કિટ હાઉસમાં લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં આ વિદ્યાલયનો આચાર્ય શૈલેષચંદ્ર મહેતા અને શિક્ષણાધિકારી કચેરીનો ફરજ મોકૂફ પટાવાળો રૂપિયા 16 લાખની લાંચના છટકામાં આબાદ પકડાઈ ગયા હતા. એસીબી પોલીસે આ બંને લંચિયાની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને અટકાયત કરી છે.