શહીદ થયેલા પતિનું સપનું પૂરું કર્યું, પતિના સપના માટે કોમલ સેનામાં જોડાઇ
જુનાગઢ, ૨૨ નવેમ્બર, ઘણી વાર લોકો કહે છે કે પ્રેમ અમર છે પ્રેમમાં લોકો એક બીજા માટે જીવ પણ આપી દેતા હોય છે તો ક્યારેક પ્રેમમાં પોતાના સાથીનું સપનું પૂરું કરવા માટે અને તેને ખુશ કરવા માટે પણ લોકો ઘણી મહેનત કરે છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 2011માં પેરામિલિટરી ફોર્સમાં જોડાયેલા કેશોદના કરેણીના મહેશસિંહ મક્કા વર્ષ 2015માં ફરજ દરમિયાન અકસ્માતમાં શહીદ થયા હતા. તેમના અવસાન બાદ ઘરકામ કરતાં તેમનાં પત્ની કોમલબેન પોતાના 5 વર્ષના પુત્રના ઊજળા ભવિષ્ય અને દેશસેવા માટે આર્મીમાં જોડાવાનું નક્કી કર્યું અને 11 મહિનાની આકરી ટ્રેનિંગ પૂરી કરી ત્યારબાદ પતિના સ્થાને જ દેશસેવામાં જોડાયાં, જેઓ હાલ લખનઉ ખાતે ફરજ પર છે.
ચાલુ ફરજ દરમિયાન પતિનું નિધન થતાં પરિવાર પર આભ ફાટ્યું હતું અને કોમલ મક્કા પોતાના 5 વર્ષના પુત્ર સાથે એકલાં થઈ ગયાં હતાં. આ કપરી પરિસ્થિતિમાં શું કરશે એ માટે તેઓ સતત વિચારતાં હતાં. એ દરમિયાન પેરામિલિટરી ફોર્સમાંથી મહેશસિંહ મક્કાની જગ્યાએ તેમનાં પરિવારજનોમાંથી કોઈને નોકરી કરવી હોય એ માટેનો ઓફર લેટર આપવામાં આવ્યો હતો, પરંતુ એ સમયે દુનિયા શું કહે છે કે એક મહિલા આર્મીમાં કેવી રીતે ભરતી થઈ શકે? આવા વિચારોમાં કોમલ મક્કાનું એક વર્ષ વીતી ગયું. આ દરમિયાન કોમલબેન મક્કાએ પોતાના પતિ સાથે નોકરી કરતા મિત્રોનો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું હતું કે ઘણી એવી મહિલાઓ છે, જે પોતાના પતિના અવસાન બાદ આર્મીમાં ફરજ બજાવી રહી છે. પોતાના પતિના રાષ્ટ્રપ્રેમનાં સપનાં પૂરાં કરવા અને દીકરાના ઊજળા ભવિષ્યનું વિચારી કોમલબેન મક્કાએ પોતાના પતિ મહેશસિંહની જગ્યાએ પેરામિલિટરી ફોર્સમાં જવાનો નિર્ણય કર્યો હતો.
કોમલબેન મક્કાએ વધુમાં જણાવ્યું હતું કે મેં આર્મી જોઈન કરી એનું મુખ્ય કારણ એ છે કે મારા પતિ પહેલાં આર્મીમાં ફરજ બજાવતા હતા અને મેં જોયું છે કે મારા પતિ દેશ અને રાષ્ટ્રપ્રેમ માટે જ હંમેશાં વિચારતા હતા. તેમના વિચારોમાં મને હંમેશાં દેશ પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો છે અને એ જોઈ હું પણ મારા પતિનું બાકી સપનું પૂરું કરવા અને મારા પાંચ વર્ષના દીકરાના ઊજળા ભવિષ્યનું વિચારી આર્મીમાં ભરતી થઈ છું. હું અન્ય મહિલાઓને કહેવા માગું છું કે જીવનમાં કોઈપણ કપરી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે હારવું ન જોઈએ, મનને મક્કમ બનાવીને પોતાના અને બાળકોના ભવિષ્ય માટે પોતાના પગ પર ઊભા થવું જોઈએ.
આ પણ વાંચો..શું તમે કચ્છમાં આવેલો આપણો આ પ્રાચીન વારસો જોયો? વર્લ્ડ હેરિટેજ સપ્તાહ ચાલે છે, જલદી પહોંચો