અમેરિકામાં સફળતાની યાદીમાં ભારતીયો છે સૌથી ટોચ ઉપર, જાણો પાકિસ્તાન અને ચીનનું સ્થાન ક્યાં છે?
વૉશિંગ્ટન ડીસી, 22 નવેમ્બર, 2024: અમેરિકામાં સૌથી સફળ ઈમિગ્રન્ટ જૂથોમાં આવકની દૃષ્ટિએ ભારતીયો સૌથી ટોચ ઉપર છે. આ યાદીમાં કુલ 14 દેશોના નાગરિકોની યાદી આપવામાં આવી છે જે સ્થળાંતર કરીને અમેરિકા આવ્યા હોય. આ 14 દેશોના સ્થળાંતરિત લોકોમાં ભારતીય સમુદાય આવકની દૃષ્ટિએ સૌથી ટોચ ઉપર છે. જ્યારે વિયેટનામના લોકો 14મા ક્રમે છે. 2022ના એક સર્વેક્ષણ અનુસાર અમેરિકામાં તે સમયે અંદાજે 48 લાખ ભારતીય મૂળના લોકો હતા. હવે કદાચ આ સંખ્યામાં થોડો વધારો થયો હશે.
આ યાદીમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, મૂળ અમેરિકન નાગરિકો આવકની દૃષ્ટિએ સૌથી નીચે અર્થાત 15મા સ્થાને છે.
ધ રેબિટ હોલ (@TheRabbitHole84) નામના X હેન્ડલ ઉપર આ યાદી પોસ્ટ કરવામાં આવી છે અને તેમાં મજાની વાત એ છે કે ઇલોન મસ્કે તેને રિટ્વિટ કરીને આ સરવે અને આંકડા સાચા હોવાનું કહ્યું છે.
યાદી અનુસાર ભારતીય અમેરિકન પરિવારોની આવક 1,26,705 ડૉલર છે, જે અન્ય તમામ સ્થળાંતરિત સમુદાયોની સરખામણીમાં સૌથી વધુ છે. બીજા ક્રમે તાઈવાનના પરિવારો આવે છે (1,02,405 ડૉલર), ત્રીજા ક્રમે ફિલિપિન્સના સમુદાય (1,00,273 ડૉલર), ચોથા ક્રમે ઈન્ડોનેશિયા અને ત્યારબાદ 87,509 ડૉલરની આવક સાથે પાંચમા ક્રમે પાકિસ્તાની સમુદાય છે. આ યાદીમાં ચીનાઓ પાકિસ્તાન કરતાં પણ પાછળ હોવાનું જણાયું છે. ચીની સમુદાય છેક આઠમા ક્રમે છે અને તેમની પારિવારિક આવક 86,281 ડૉલર હોવાનું સરવેમાં જણાવવામાં આવ્યું છે.
— Elon Musk (@elonmusk) November 22, 2024
ઇલોન મસ્કે “સત્ય” કહીને રિટ્વિટ કરેલી ધ રેબિટ હોલની યાદી અનુસાર આ માહિતી લેખક ચાર્લ્સ મુરેના પુસ્તક “ફેસિંગ રિયાલિટીઃ ટુ ટ્રુથ્સ અબાઉટ રેસ ઈન અમેરિકા” માંથી લેવામાં આવી છે. X હેન્ડલ ઉપર આ યાદી શૅર કરીને લખવામાં આવ્યું છે કે, અમેરિકા તકોની ભૂમિ છે (America is the land of opportunity).
આમ તો આ યાદી જૂની છે અને એ જે પુસ્તકમાંથી લેવામાં આવી છે તે પણ 2021નું છે પરંતુ અમેરિકામાં હજુ પણ આ સ્થિતિમાં મોટો ફેર પડ્યો નથી એ દર્શાવવા ધ રેબિટ હોલ દ્વારા આજે 22 નવેમ્બરને શુક્રવારે ટ્વિટ કરવામાં આવ્યું છે જેને ઇલોન મસ્કે રિટ્વિટ કર્યું છે.