મહારાષ્ટ્ર : સાંગલીની કેમિકલ કંપનીમાં ગેસ ગળતરથી ત્રણ મૃત્યુ
સાંગલી, 22 નવેમ્બર : મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં એક કેમિકલ કંપનીમાં ગેસ લીકેજનો મામલો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ એક ફર્ટિલાઇઝર પ્લાન્ટ હતો, રિએક્ટરમાં વિસ્ફોટ થયા બાદ તેમાંથી ગેસ લીક થવા લાગ્યો હતો. કોઈને કંઈ સમજાય ત્યાં સુધીમાં તો અનેક લોકો તેનો શિકાર થઈ ચૂક્યા હતા.
આ ગેસ લીકેજને કારણે બે મહિલાઓ સહિત ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે નવ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. પોલીસ ટીમ ઘટનાની તપાસ કરી રહી છે. આ સિવાય અન્ય ગંભીર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમની સારવાર ચાલી રહી છે.
ગુરુવારે સાંજે ઘટના બની હતી
આ મામલાની માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટના ગુરુવારે સાંજે લગભગ 6.30 વાગે સાંગલીના કડેગાંવ તહસીલના શાલગાંવ MIDC સ્થિત મ્યાનમાર કેમિકલ કંપનીમાં થઈ હતી. પોલીસે જણાવ્યું કે ખાતર પ્લાન્ટના રિએક્ટરમાં વિસ્ફોટ થયો, જેના કારણે કેમિકલનો ધુમાડો નીકળવા લાગ્યો હતા.
દરમિયાન કડેગાંવ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક સંગ્રામ શેવાળેએ જણાવ્યું હતું કે, પ્લાન્ટમાં ગેસ લીકેજને કારણે લગભગ 12 લોકોને અસર થઈ હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી બે મહિલા કર્મચારીઓ અને એક સુરક્ષા ગાર્ડના મોત થયા છે જ્યારે નવ લોકોની સારવાર ચાલી રહી છે.
વિસ્ફોટ બાદ ગેસ લીક થયો હતો
આ ઘટના અંગે સાંગલીના પોલીસ અધિક્ષક સંદીપ ઘુગેએ કહ્યું કે એવી આશંકા છે કે રિએક્ટરમાં વિસ્ફોટ બાદ એમોનિયા ગેસ લીક થયો હતો. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે સાત ઘાયલોને કરાડની સહ્યાદ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી પાંચ આઈસીયુમાં દાખલ છે. મૃતક મહિલાઓની ઓળખ સાંગલી જિલ્લાના યેતગાંવની સુચિતા ઉથલે (ઉ.વ.50) અને સતારા જિલ્લાના મસુરની નીલમ રેથ્રેકર (ઉ.વ.26) તરીકે કરવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો :- વિસ્થાપિત કાશ્મીરી પંડિતોની દુકાનો ઉપર જમ્મુ-કાશ્મીર સરકારે બુલડોઝર ફેરવ્યું