વિસ્થાપિત કાશ્મીરી પંડિતોની દુકાનો ઉપર જમ્મુ-કાશ્મીર સરકારે બુલડોઝર ફેરવ્યું
જમ્મુ, 22 નવેમ્બર : જમ્મુમાં વિસ્થાપિત કાશ્મીરી પંડિતોની દુકાનો પર બુલડોઝર ચલાવવામાં આવતા સ્થાનિક લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો છે. આ કાર્યવાહી તે કાશ્મીરી પંડિતો સામે કરવામાં આવી છે જેઓ ત્રણ દાયકા પહેલા ઘાટીમાંથી વિસ્થાપિત થયા બાદ અહીં આવ્યા હતા અને નાના વેપાર કરી રહ્યા હતા.
આ લોકોની દુકાનો ધરાશાયી થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને હવે વહીવટી તંત્રને પણ ઝુકવું પડ્યું છે. લોકોએ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે અને વાંધો ઉઠાવ્યા બાદ રાહત કમિશનર અરવિંદ કારવાણી ત્યાં પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે અમે પરિસ્થિતિનો અભ્યાસ કર્યો છે અને પીડિતોને મદદ પૂરી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં કાશ્મીરી પંડિત પરિવારોને નવી દુકાનો આપવામાં આવશે.
તેમણે કહ્યું કે આ દુકાનો જમ્મુ ડેવલપમેન્ટ ઓથોરિટીની જમીન પર બનાવવામાં આવી છે. અહીં શોપિંગ કોમ્પ્લેક્સ બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં અહીં 10 દુકાનો બનાવવામાં આવશે. આ દુકાનો કાશ્મીરી પંડિત પરિવારોને આપવામાં આવશે. અધિકારીએ કહ્યું કે દુકાનો હટાવવાનો વિરોધ ખોટો છે કારણ કે આ માટે કાશ્મીરી પંડિતો પાસેથી મંજૂરી લેવામાં આવી હતી.
રાહત કમિશનરે કહ્યું કે આ લોકોને ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. જ્યારે આ લોકોએ જાતે દુકાનો હટાવી ન હતી ત્યારે ઓથોરિટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે આ મામલાએ રાજકીય રંગ લીધો છે. ભાજપ, પીડીપી, અપની પાર્ટી સહિત અનેક કાશ્મીરી પંડિત સંગઠનોએ પણ ટીકા કરી છે.
આ સંગઠનોનું કહેવું છે કે કાશ્મીરી પંડિત પરિવારોની આજીવિકા પર અસર ન થાય તે માટે ટૂંક સમયમાં નવી દુકાનો બનાવવામાં આવે. ઓમર અબ્દુલ્લા સરકાર પર પ્રહાર કરતા કાશ્મીરી પંડિત દુકાનદાર કુલદીપ કિસરુએ કહ્યું કે, ‘અમને વધુ સારી સુવિધા અથવા આર્થિક મદદ આપવાને બદલે આ સરકાર અમારી દુકાનો પર બુલડોઝર ચલાવીને આજીવિકાનો આધાર છીનવી રહી છે.’ અન્ય એક દુકાનદાર જવ લાલ ભટ્ટે કહ્યું કે અમે આ દુકાનો પર જ નિર્ભર હતા. હવે અમે અમારા પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરી શકીશું?
આ પણ વાંચો :- અમદાવાદમાં RTE હેઠળ લીધેલા 140 બોગસ એડમિશન રદ, જાણો શું છે સમગ્ર મામલો?