ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: બે મહિલાએ વૃદ્ધને ગાર્ડનમાં લઇ જઇ ફસાવ્યા અને રૂ. 39,000 ટ્રાન્સફર કરાવ્યા

Text To Speech
  • ગાર્ડનમાં બેસીને વાતો કરવાની લાલચ આપી ત્યાં લઈ ગયા હતા
  • મોબાઈલ ફોનમાં રહેલા રૂ. 39,000 ટ્રાન્સફર કરાવી નાસી છૂટયા
  • પોલીસે બે દંપતી તેમજ અન્ય એક યુવાન સહિત પાંચેય આરોપીઓને દબોચ્યા

યાત્રાધામ દ્વારકામાં રહેતા 61 વર્ષના એક વૃદ્ધને બે અજાણી યુવતીઓએ એક સ્થળે મૂકી જવાનું કહીને ગાર્ડનમાં લઈ ગયા બાદ અહીં વાતો કરતા વૃદ્ધ પાસે આવેલા ત્રણ શખ્સોએ મિલીભગત આચરીને મોબાઈલ ફોનમાં રહેલા રૂ. 39,000 ટ્રાન્સફર કરાવી નાસી છૂટયા હતાં. જેમાં આ પ્રકરણમાં સ્થાનિક પોલીસે બે દંપતી તેમજ અન્ય એક યુવાન સહિત પાંચેય આરોપીઓને દબોચી લીધા હતા.

ગાર્ડનમાં બેસીને વાતો કરવાની લાલચ આપી ત્યાં લઈ ગયા હતા

દ્વારકામાં રહેતા 61 વર્ષના એક નિવૃત્ત વૃદ્ધ બપોરના સમયે ભડકેશ્વર મહાદેવના મંદિરેથી દર્શન કરીને નીકળ્યા હતા. ત્યારે માર્ગમાં બે અજાણી મહિલાઓ તેમને મળી હતી. પોતે દ્વારકામાં કઈ જોયું નથી તેમ કહીને પટેલ સમાજ પાસે મૂકી જવાનું તેમને કહ્યું હતું. આ બહાને બંને સ્ત્રીઓ ફરિયાદી વૃદ્ધના મોટરસાયકલ પર બેસી ગઈ હતી અને આગળ જતા તેમણે પટેલ સમાજ પાસે આવેલા ગાર્ડનમાં બેસીને વાતો કરવાની લાલચ આપી ત્યાં લઈ ગયા હતા.

5 વ્યક્તિઓએ એકસંપ કરીને ફરિયાદી વૃદ્ધને ગાળો કાઢી, ઢીકા-પાટુનો માર માર્યો

અહીં તેઓ પાસે ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા હતા અને આ પાંચેય વ્યક્તિઓએ એકસંપ કરીને ફરિયાદી વૃદ્ધને ગાળો કાઢી, ઢીકા-પાટુનો માર માર્યો હતો. આ પછી તેઓએ વૃદ્ધનો મોબાઈલ ઝૂંટવીને તેમનો ઓનલાઈન ટ્રાન્જેક્શનનો પાસવર્ડ જાણી લીધો હતો. ત્યાર બાદ તેમના મોબાઈલમાં એક પેટ્રોલ પંપના ક્યુ.આર. કોડ સ્કેન કરી અને તેમાં રૂપિયા 39,000 ટ્રાન્સફર કરી, ત્યાંથી ઉપરોક્ત રકમ ઉપાડીને આ પ્રકારે લૂંટ ચલાવી હતી. આટલું જ નહીં, અનિલકુમાર નામના એક આસામીને પણ ચીટર ટોળકીએ આ પ્રકારે રૂપિયા 4,000 ની રોકડ રકમની લૂંટ ચલાવી હોવાનું પણ આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

Back to top button