અદાણી કેસ પર વ્હાઇટ હાઉસનું નિવેદન, કહ્યું: ‘ અમારી નજર છે, પરંતુ બંને દેશો વચ્ચેના સંબંધો…’
- અદાણી ગ્રૂપે આ પ્રોજેક્ટ્સ માટે અમેરિકન રોકાણકારો પાસેથી ભંડોળ એકત્ર કર્યું હોવાથી અમેરિકન કોર્ટમાં થયો કેસ
વોશિગ્ટન DC, 22 નવેમ્બર: દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી દ્વારા સૌર ઉર્જા પ્રોજેક્ટ્સના કોન્ટ્રાક્ટ મેળવવા માટે અંદાજે 2 હજાર કરોડની લાંચની ઓફર કરવાના આરોપો વચ્ચે હવે આ મામલે વ્હાઇટ હાઉસનું નિવેદન પણ બહાર આવ્યું છે. અદાણી ગ્રૂપે આ પ્રોજેક્ટ્સ માટે અમેરિકન રોકાણકારો પાસેથી ભંડોળ એકત્ર કર્યું હતું, જેના કારણે અમેરિકન કોર્ટમાં તેમની સામે આ કેસ થયો છે. વ્હાઇટ હાઉસનું કહેવું છે કે, અમે આ આરોપોથી વાકેફ છીએ. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીન જીન પિયરે કહ્યું કે, અમે આ મામલે નજર રાખી રહ્યા છીએ. માત્ર અમેરિકાનું સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) અને ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ (DoJ) જ આ આરોપો અંગે જરૂરી માહિતી આપી શકશે, પરંતુ હું ભારત અને અમેરિકાના સંબંધો પર આ બાબતની અસર વિશે વાત કરીશ.
#WATCH | “We are aware of these allegations, and I would have to refer you to the SEC and DOJ about the specifics of those allegations against the Adani group. What I will say is, on the US and India relationship, we believe that it stands on an extremely strong foundation,… pic.twitter.com/o6BN6tjaHy
— ANI (@ANI) November 21, 2024
વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ શું કહ્યું?
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીન જીન પિયરે કહ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત પાયા પર છે. આ બંને દેશોના લોકો વચ્ચેના સંબંધો અને અમારા દ્વિપક્ષીય સહયોગ સાથે જોડાયેલું છે. અમે માનીએ છીએ અને સંપૂર્ણ વિશ્વાસ છે કે, અમે આ મુદ્દાને ઉકેલ તરફ લઈ જઈશું, જેમ અમે અન્ય કેસોમાં પણ કર્યું છે. પરંતુ માત્ર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન અને જસ્ટિસ ડિપાર્ટમેન્ટ જ આ બાબતે કોઈપણ પ્રકારનો પ્રતિભાવ આપી શકશે. પરંતુ હું ફરી એકવાર કહેવા માંગુ છું કે, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો મજબૂત પાયા પર આધારિત છે.
પ્રોજેક્ટ્સના કોન્ટ્રાક્ટ મેળવવા માટે લાંચ આપવાનો આરોપ
મહત્ત્વપૂર્ણ છે કે, ગૌતમ અદાણી નવા આરોપોથી ઘેરાયેલા છે. ભારતમાં સૌર ઉર્જા પ્રોજેક્ટ્સના કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને અંદાજે રૂ. 2,250 કરોડની લાંચ આપવાનો આરોપ છે. અદાણી ગ્રૂપે આ પ્રોજેક્ટ્સ માટે અમેરિકન રોકાણકારો પાસેથી ભંડોળ એકત્ર કર્યું હતું, જેના કારણે અમેરિકન કોર્ટમાં તેમની સામે આ કેસ થયો છે. ગ્રુપને 20 વર્ષમાં આ પ્રોજેક્ટ્સમાંથી લગભગ $2 બિલિયનનો નફો મળવાની અપેક્ષા હતી.
આ સમગ્ર મામલે મુખ્ય પાત્રમાં અદાણી ગ્રુપના ચેરમેન અને ફાઉન્ડર ગૌતમ અદાણી, અદાણી ગ્રીન એનર્જીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણી, એઝ્યુર પાવરના CEO રણજીત ગુપ્તા, એઝ્યુર પાવરના એડવાઈઝર રૂપેશ અગ્રવાલ અમેરિકન ઈશ્યુઅર છે. USના આરોપ મુજબ, અદાણી ગ્રૂપ અને અમેરિકન ઈશ્યુઅરે સરકારી માલિકીની સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI)ને 12 ગીગાવોટ સોલાર પાવર આપવાનો કોન્ટ્રાક્ટ જીત્યો હતો, પરંતુ SECIને સોલાર પાવર ખરીદવા માટે ભારતમાં ખરીદદારો મળી શક્યા નહીં. ખરીદદારો વગર ડીલ આગળ વધી શકે તેમ ન હતી અને બંને કંપનીઓને ભારે નુકસાનનું જોખમ હતું. તેથી, અદાણી ગ્રુપ અને એઝ્યુર પાવરે ભારત સરકારના અધિકારીઓને લાંચની ઓફર કરી હતી.
આ પણ જૂઓ: અદાણીને વધુ એક ઝટકો, કેન્યા સાથે થયેલા કરારો રદ્દ કર્યા