કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ઉપરાષ્ટ્રપતિ દેવભૂમિ દ્વારકાની મુલાકાતે : નાગેશ્વર જયોર્તિંલીગની કરી પૂજા

Text To Speech

એમ. વેંકૈયા નાયડુ ગુજરાતની એક દિવસની મુલાકાતે પધાર્યા છે. તેઓ દ્વારકા ખાતે પવિત્ર શ્રાવણ માસમાં દ્વાદશ જ્યોતિર્લીંગ પૈકી નાગેશ્વર જ્યોતિર્લીંગના દર્શનાર્થે પધાર્યા હતા. અહીં તેઓનું પારંપરિક વેશભૂષામાં ઉપસ્થિત સ્થાનિક લોક-કલાકારો દ્વારા વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું. દ્વારકા નજીક બિરાજમાન જ્યોતિર્લીંગ નાગેશ્વર મહાદેવના મંદિરે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પત્ની ઉષાબહેન સાથે પવિત્ર શ્રાવણ માસમાં વિશેષ પૂજન-અર્ચન અને પ્રાર્થના કરી હતી. આ વેળાએ હર્ષવર્ધનભાઈ અને રાધાબહેન, રવિભાઈ તેજા અને નિહારિકા બહેન સહિતના પરિવારજનોએ નાગેશ્વર મહાદેવની આરતી કરીને સમગ્ર પરિવારે મહાદેવની કૃપા પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. આ વેળાએ ઉપરાષ્ટ્રપતિએ મંદિર પરિસરની મુલાકાત લઇ, મંદિરના મહાત્મ્ય અંગે જાણકારી મેળવી હતી. નાગેશ્વર મંદિરના મહંત ગીરધર ભારથી, મહેન્દ્રભારથી, ભીખુભાઇ ભોગાયતા, પવનભાઇ મિશ્રા, જયદીપભાઇ ગોસ્વામી, જ્યોત્સનાબેન દ્વારા શાસ્ત્રોક્ત વિધિ તેમજ મંત્રોચ્ચાર સાથે નાગેશ્વર મહાદેવની પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

જામનગર ખાતે સ્વાગત કરતા રાજ્યપાલ અને મુખ્યમંત્રી
જામનગર ખાતે સ્વાગત કરતા રાજ્યપાલ અને મુખ્યમંત્રી

 

જામનગર ખાતે ઉપરાષ્ટ્રપતિનું ટૂંકું રોકાણ, રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિતનાઓએ કર્યું સ્વાગત

દ્વારકા જતા પહેલા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ટૂંકુ રોકાણ કર્યું હતું જ્યાં તેમને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જ્વલંત ત્રિવેદી ચીફ પ્રોટોકોલ ઓફિસર, કલેકટર ડૉ. સૌરભ પારઘી, એર કોમોડોર આનંદ સોંધી, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું.

દ્વારકા ખાતે ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત
દ્વારકા ખાતે ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત

ઉપરાષ્ટ્રપતિનું દેવભૂમિ દ્વારકા ખાતે ઉષ્માભર્યું સ્વાગત, હેલીપેડ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત

ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુનું આજે સવારે 9:45 કલાકે દ્વારકા ખાતે આગમન થયું હતું. દ્વારકા હેલિપેડ ખાતે તેઓનું રાજ્યના કેબિનેટ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, દેવભૂમિ દ્વારકાના કલેકટર મુકેશ પંડ્યા તથા દેવભૂમિ દ્વારકાના એસ.પી. નિતેશ પાંડેએ ગરીમા સાથે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બાદમાં તેઓએ પરિવારજનો સાથે નાગેશ્વર જ્યોતિર્લિંગ તેમજ ભગવાન દ્વારકાધીશના દર્શન માટે પ્રસ્થાન કર્યું હતું.ઉપરાષ્ટ્રપતિના આગમનને પગલે દ્વારકા હેલિપેડ પર ચુસ્ત પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી હતી, તેમજ એમ્બ્યુલન્સ, આઇ.સી.યુ. ઓન વ્હીલ્સ, તેમજ ફાયર ફાઇટર્સ સાથે ફાયરબ્રિગેડનો સ્ટાફ તેમજ જામનગર એરફોર્સના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button