‘માત્ર બ્રેકઅપને કારણે પુરુષની વિરુદ્ધ ન કરી શકો રેપ કેસ’ સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
નવી દિલ્હી, 21 નવેમ્બર 2024 : લગ્નની લાલચ આપીને બળાત્કારના આરોપોનો સામનો કરી રહેલા યુવકને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. સુપ્રીમનું કહેવું છે કે સંમતિ સાથે સંબંધમાં રહેતા યુગલનું બ્રેકઅપ થઈ જવાના કારણે વ્યક્તિ સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરી શકાતી નથી. ફરિયાદી મહિલાએ 2019માં આરોપી વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. આ પછી આરોપીએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
આ કેસની સુનાવણી જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ એન કોટેશ્વર સિંહની બેન્ચ કરી રહી હતી. બાર એન્ડ બેન્ચના જણાવ્યા અનુસાર, કોર્ટે કહ્યું, ‘માત્ર બ્રેકઅપના કારણે સહમતિથી સંબંધમાં રહેતા દંપતી વચ્ચે ફોજદારી કાર્યવાહી શરૂ કરી શકાતી નથી. જ્યારે રિલેશનશિપ લગ્નમાં ન ફેરવાય તો એક સમયે સંમતિથી બનાવેલા સંબંધોને અપરાધનું નામ ન આપી શકો.
કોર્ટે આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું છે કે આરોપીએ ફરિયાદીનું સરનામું શોધી કાઢ્યું હતું અને તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. ખંડપીઠે કહ્યું હતું કે જો ફરિયાદીએ પોતે સરનામાની માહિતી આપી ન હોત તો આરોપી તેનું સરનામું મેળવી શક્યો ન હોત. રિપોર્ટ અનુસાર, કોર્ટે કહ્યું, ‘આ વાત સમજથી બહાર છે કે ફરિયાદી પોતાની સંમતિ વિના અપીલકર્તાને મળવાનું ચાલુ રાખશે કે લાંબા સમય સુધી સંપર્ક બનાવી રાખશે કે શારિરીક સંબંધ બનાવશે’
શું મામલો હતો
વર્ષ 2019 માં, એફઆઈઆર નોંધવામાં આવી હતી કે આરોપીએ લગ્નની લાલચ આપીને યુવતીની સાથે શારિરીક સંબંધ બાંધ્યા હતા. મહિલાએ ફરિયાદમાં એમ પણ કહ્યું છે કે આરોપીએ તેને શારીરિક સંબંધ બાંધવાનું કહ્યું હતું અને જો તે આમ નહીં કરે તો પરિવારને નુકસાન પહોંચાડશે તેવી ધમકી આપી હતી. મહિલાની ફરિયાદ બાદ આરોપી વિરુદ્ધ IPCની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. બાદમાં દિલ્હી હાઈકોર્ટે પણ તેની અરજી ફગાવી દીધી હતી.
કોર્ટે એમ પણ કહ્યું હતું કે પક્ષકારો વચ્ચેના સંબંધો સૌહાર્દપૂર્ણ અને સહમતિપૂર્ણ હતા. કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો ફરિયાદી પક્ષની વાત સ્વીકારવામાં આવે તો પણ એવું કહી શકાય નહીં કે ફરિયાદીએ લગ્નના વચનને લીધે જ શારીરિક સંબંધો બાંધ્યા હતા. બંને હવે પરિણીત છે અને પોતપોતાના જીવનમાં ખુશ છે તે જોઈને કોર્ટે કેસ રદ કર્યો હતો.
આ પણ વાંચો : યૂપીમાં ટેક્સ ફ્રી થઈ ‘The Sabarmati Report’, ફિલ્મ જોવા સિનેમાઘર પહોંચ્યા યોગી આદિત્યનાથ