એલર્ટઃ જીવલેણ બની શકે છે વધુ પડતી ગરમ ચા કે કોફી, શું છે ખતરો?
- વધુ પડતી ગરમ ચા, કોફી કે અન્ય ડ્રિંક પીવાની આદત હોય તો અત્યારથી જ ચેતી જજો. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં તેના ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે
HD ન્યુઝ ડેસ્કઃ લગભગ દરેક વ્યક્તિ દિવસની શરૂઆત ગરમ ચા, કોફી અથવા ગરમ પાણીથી કરે છે. તેનાથી શરીરને એનર્જી મળે છે. ઘણા લોકોને ખૂબ જ ગરમ વસ્તુઓ ખાવા-પીવાની આદત હોય છે. ક્યારેક આ આદત મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે. તાજેતરના એક અભ્યાસમાં સામે આવ્યું છે કે આમ કરવાથી અન્નનળીના કેન્સરનું જોખમ વધી શકે છે.
નિષ્ણાતો કહે છે કે અત્યાર સુધી એવા કોઈ તથ્યો મળ્યા નથી કે ગરમ વસ્તુઓ ખાવા અને કેન્સર વચ્ચે સીધો સંબંધ છે, પરંતુ સતત ગરમ વસ્તુઓ ખાવાથી અન્નનળીને નુકસાન થાય છે, જેના કારણે કેન્સરનો ખતરો વધી શકે છે. તમને જણાવી દઈએ કે અન્નનળી એક લાંબી અને સોફ્ટ ટ્યુબ છે જે ગળાથી પેટ સુધી જાય છે. આ નળી ચવાઈ ગયેલા ખોરાકને પાચન માટે પેટ સુધી લઈ જાય છે.
અભ્યાસમાં જણાવાયો છે કેન્સરનો ખતરો
આપણા દેશમાં ખાવાપીવાના શોખીનોની કોઈ કમી નથી. આ સાથે ગરમાગરમ ચા, સમોસા કે પકોડા ખાનારા અઢળક જોવા મળશે. ખૂબ જ ગરમ વસ્તુઓ ખાવા અંગે એનસીબીઆઈના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આમ કરવાથી કેન્સર થવાનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. અભ્યાસ કહે છે કે વધુ પડતા ગરમ ખોરાકના સેવનથી અન્નનળીના કેન્સરનું જોખમ વધી જાય છે.
અભ્યાસમાં અત્યંત ગરમ પીણાંના સેવન અને અન્નનળીના કેન્સર વચ્ચેની કડીનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જ્યારે આ વસ્તુઓની રાસાયણિક રચના સીધી રીતે કેન્સરનું કારણ હોવાનું જાણવા મળ્યું નથી. અભ્યાસમાં વસ્તુઓનું વધુ પડતું ગરમ હોવું એ ચોક્કસપણે ચિંતાનો વિષય છે.
વર્ષો પછી પણ દેખાઈ શકે છે અસર
ગરમ વસ્તુઓના સેવનથી એકદમ કેન્સર થાય છે એ વાત બિલકુલ સાચી નથી. આરોગ્ય નિષ્ણાતોના મતે અન્નનળીનું કેન્સર થવું એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે જેમાં ઘણા વર્ષો લાગી શકે છે. ગરમ વસ્તુઓને કારણે સતત થતી થર્મલ ઈન્જરી, નેચરલ હીલિંગ પ્રોસેસને પ્રભાવિત કરે છે. તેના કારણે સેલ્સનો અનિયમિત ગ્રોથ થવા લાગે છે. જે બાદમાં કેન્સરમાં ફેરવાઈ શકે છે.
આ પણ વાંચોઃ ઠંડીમાં વધી શકે છે અસ્થમાની તકલીફ, આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ