જુગાર રમવાની ટેવ, મિત્રોને આપતી ઝેર! જાણો 14 હત્યા કરનારી કાતિલ હસીના ‘મિસ સાયનાઇડ’ વિશે
- ઘણા પરિવારોએ આ સિરિયલ કિલર મહિલા વિરુદ્ધ પોલીસમાં નોંધાવી હતી ફરિયાદ
HD ન્યૂઝ ડેસ્ક, 21 નવેમ્બર: ‘મિસ સાઇનાઇડ’ તરીકે જાણીતી સારારત તેના મિત્રો સહિત 14 લોકોની હત્યાના આરોપમાં દોષી સાબિત થઈ છે. સારારતે આ લોકોને સાઈનાઈડ આપ્યું હતું જેથી તેણીએ લીધેલું દેવું ચૂકવી ન પડે. તેણીને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે અને જંગી વળતર ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. તેણીને જુગાર રમવાની ટેવ હતી અને પૈસાને પાણીની જેમ ખર્ચ કરતી હતી, જેના કારણે તેના પર મોટું દેવું થવા લાગ્યું હતું. જ્યારે ક્રેડિટ કાર્ડના બિલ અને લેણદારોનું દબાણ વધી ગયું તો તેણીએ તેના મિત્રો પાસેથી પૈસા ઉછીના લેવાનું શરૂ કર્યું. પરંતુ, જ્યારે આ મિત્રોએ તેની પાસે તેમના પૈસા પાછા માંગ્યા, ત્યારે તેણે બદલામાં મૃત્યુને ઘાટ ઉતારી દીધા. મૃત્યુ એવું છે કે, તેના વિશે સાંભળીને જ કોઈનો પણ આત્મા કંપી જાય છે. તેણીએ તેના 14 મિત્રોને સાઈનાઈડ આપીને મારી નાખ્યા. હવે કોર્ટે આ સીરિયલ કિલર મહિલાને ફાંસીની સજા સંભળાવી છે.
આ સ્ટોરી થાઈલેન્ડમાં રહેતી 36 વર્ષીય સારારત રંગસિવુથાપોર્નની, જેણે 2015થી અત્યાર સુધીમાં 14 લોકોને સાઈનાઈડ આપીને મારી નાખ્યા છે. તેણીને હાલમાં તેના એક મિત્રની હત્યા માટે મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે, પરંતુ અન્ય 13 કેસ હજુ પણ કોર્ટમાં પેન્ડિંગ છે. થાઈલેન્ડમાં સારારત નામની આ મહિલાને મિસ સાયનાઈડ પણ કહેવામાં આવે છે.
મિત્ર તડપતી રહી અને સારારત જોતી રહી
સારારતના ગુનાઓનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે એપ્રિલ 2023માં તે તેણીની મિત્ર સિરિપોર્ન ખાનવાંગ સાથે ટ્રિપ પર ગઈ હતી. અહીં બંનેએ ઘાટ પર માછલીઓને ખવડાવ્યું અને બાદમાં સાથે ડિનર કર્યું. જમ્યાના થોડા સમય બાદ સિરિપોર્નની તબિયત લથડી અને તે નદી કિનારે પડી ગઈ. સારારતે આ બધું જોયું પણ સિરિપોર્નને બચાવવાનો પ્રયત્ન ન કર્યો.
જ્યારે પોલીસે સિરિપોર્નનું પોસ્ટમોર્ટમ કરાવ્યું ત્યારે જાણવા મળ્યું કે, તેને કોઈએ તેના ખોરાકમાં સાઈનાઈડ આપ્યું હતું. આ માહિતીથી હોબાળો મચી ગયો અને સિરિપોર્નના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી. આ કેસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે સિરિપોર્નના મૃત્યુ બાદ અન્ય ઘણા પરિવારોએ પણ સારારત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી.
12 મહિલાઓ અને બે પુરૂષો
આ પરિવારોએ જણાવ્યું કે, સારારતને મળ્યા બાદ તેમના સંબંધીઓનું પણ રહસ્યમય રીતે મૃત્યુ થયું હતું. પોલીસે પુરાવા એકઠા કર્યા અને મે 2023માં સારારતની ધરપકડ કરી. આ પછી સ્ટોરી આગળ વધતી રહી અને મામલાની ભયાનક સત્યતા બહાર આવી. 2015થી અત્યાર સુધીમાં તેણીએ 14 લોકોને આવી જ રીતે સાઈનાઈડ આપીને મારી નાખ્યા હોવાનું બહાર આવ્યું.
તેણીએ દરેક હત્યા માટે સાઈનાઈડનો ઉપયોગ કર્યો હતો. પોલીસનું કહેવું છે કે, મૃતકોમાં સારારતના મિત્રો, પૂર્વ પ્રેમી અને પોલીસ અધિકારીનો સમાવેશ થાય છે. જેમાંથી 12 મહિલાઓ અને બે પુરૂષો હતા. આ કેસની બેંગકોકની કોર્ટમાં સુનાવણી થઈ હતી અને સારારતને તેના મિત્ર સિરિપોર્નના ખોરાકમાં ઝેર આપવા બદલ દોષી ઠેરવવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, કોર્ટમાં ચુકાદો સંભળાવતી વખતે સારારત હસી રહી હતી.
જે પણ પૈસા પાછા માંગે, તેને મારી નાખતી
આ ઉપરાંત, સમગ્ર ટ્રાયલ દરમિયાન સારારતે તેના પરના તમામ આરોપોને નકારવાનું ચાલુ રાખ્યું હતું. જોકે, પોલીસનું કહેવું છે કે, તેણીએ સાઈનાઈડનો ઉપયોગ કર્યાની કબૂલાત કરી છે. ફાંસીની સજા ઉપરાંત, સારારતને સિરિપોર્નના પરિવારને 2 મિલિયન બાટ (થાઇલેન્ડનું ચલણ) વળતર ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો.
હવે પ્રશ્ન એ હતો કે, સારારતે પોતાના જ મિત્રોને સાઈનાઈડ આપીને શા માટે માર્યા? પોલીસે જણાવ્યું હતું કે, આ તમામ હત્યાઓ પૈસા માટે કરવામાં આવી હતી કારણ કે સારારત પર તેની જુગારની ટેવને કારણે ભારે દેવું થઈ ગયું હતું. તેણી પર ક્રેડિટ કાર્ડનું પણ ઘણું દેવું હતું. તેણી જાણતી હોય તેવા લોકો પાસેથી પૈસા માંગતી અને જો કોઈ તેની પાસે તેના પૈસા પાછા માંગે તો તેણી તેને મારી નાખતી.
દવા તરીકે કેપ્સ્યુલ્સમાં આપ્યું સાયનાઇડ
આ રીતે સારારતે તેના 15 મિત્રોને સાઈનાઈડ આપ્યું, પરંતુ તેણીનો એક મિત્ર કોઈક કારણોસર બચી ગયો. જો કે, તે સારારતનું કાવતરું શોધી શક્યો નહીં. મિસ સાઈનાઈડ તરીકે ઓળખાતી આ સીરીયલ કિલરે પીવાનું પાણી, ખોરાક અને દવા આપવા માટે કેપ્સ્યુલમાં સાઈનાઈડ મિક્સ કર્યું હતું.
આ કેસમાં સંડોવાયેલા અન્ય ત્રણ લોકો સામે પણ અલગ-અલગ ગુના નોંધાયા છે. જેમાં સારારતના પૂર્વ પતિ, પૂર્વ પોલીસ અધિકારી અને તેના વકીલનો સમાવેશ થાય છે. મિસ સાઇનાઇડને ટ્રાયલ ટાળવામાં મદદ કરવા માટે પુરાવા છુપાવવા બદલ તેઓને બે વર્ષની જેલની સજા પણ કરવામાં આવી હતી. જોકે, આ તમામે સજા સંભળાવતા પહેલા નિર્દોષ હોવાની દલીલ કરી હતી.
આ પણ જૂઓ: પાકિસ્તાનમાં 10 વર્ષની હિન્દુ છોકરીનું અપહરણ, ધર્મ પરિવર્તન કરાવી આધેડ સાથે કરાવ્યા નિકાહ