ગુજરાત: ઓનલાઇન ઠગાઇથી સાવધાન, ઘેર બેઠા પેકિંગના કામની લાલચ આપી છેતરપિંડી
- ઠગ ટોળકી હવે ઘેર બેઠા પેકિંગનું કામ કરવાની લાલચમાં લોકોને ફસાવી રહી છે
- મહિલાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં જઇ ઓનલાઇન ઠગો સામે અરજી આપી
- મહિલાએ રકમ ટ્રાન્સફર કરતાં જ માલ લેવા માટે રૂ.6 હજારની માંગણી કરાઇ
ગુજરાતમાં ઓનલાઇન ઠગાઇથી સાવધાન રહેવાની જરૂર છે. જેમાં હવે ઘેર બેઠા પેકિંગના કામની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવી છે. ઓનલાઇન ઠગાઇ કરવા માટે અનેક પ્રકારની તરકીબો અજમાવવામાં આવી રહી છે અને લોકો આસાનીથી બેન્કમાંથી રકમો ટ્રાન્સફર કરી આપતા હોય છે. ઠગ ટોળકી હવે ઘેર બેઠા પેકિંગનું કામ કરવાની લાલચમાં લોકોને ફસાવી રહી છે.
ગોત્રી વિસ્તારની એક ગૃહિણીએ સમગ્ર બનાવની ગોત્રી પોલીસને જાણ કરી
ગોત્રી વિસ્તારની એક ગૃહિણીએ સમગ્ર બનાવની ગોત્રી પોલીસને જાણ કરી હતી. પેન્સિલ પેકિંગ કરી ઘેર બેઠા મોટી આવક મેળવવાના નામે અનેક લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હોવાની વિગતો બહાર આવી છે.
મહિલાએ રકમ ટ્રાન્સફર કરતાં જ માલ લેવા માટે રૂ.6 હજારની માંગણી કરાઇ
ગોત્રીમાં રહેતી ચૈતાલી કુલકર્ણી નામની મહિલાએ આવી જ રીતે પેકિંગ માટે સંપર્ક કરતાં સામેથી એનઓસી કાર્ડ માટે રૂ.2 હજાર ની માંગણી કરવામાં આવી હતી. મહિલાએ રકમ ટ્રાન્સફર કરતાં જ માલ લેવા માટે રૂ.6 હજારની માંગણી કરાઇ હતી. જે રકમ 15 મિનિટમાં પરત કરવાની ખાતરી આપી હતી. આ રકમ પણ ટ્રાન્સફર કર્યા બાદ રકમ પરત કરવાને બદલે ફરીથી માલ લેવા માટે રૂ.10 હજાર જોઇશે તેમ કહેવાયું હતું. જેથી મહિલાને શંકા પડી હતી.
મહિલાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં જઇ ઓનલાઇન ઠગો સામે અરજી આપી
મહિલાએ મારે કામ નથી કરવું તેમ કહી રૂપિયા પરત માંગતા ઠગોએ રૂ.8750 ટ્રાન્સફર કરો તો તમામ રકમ તમને ચૂકવી દઇશું તેમ કહી ધાકધમકી આપવામાં આવી હતી. મહિલાને એમ પણ કહેવાયું હતું કે,અમે 400 થી 500 લોકો પાસે આવી રીતે પૈસા પડાવ્યા છે છતાં અમારું કાંઇ બગડયું નથી. તારે જે કરવું હોય તે કરી લેજે. જેથી મહિલાએ તેના પતિ સાથે ગોત્રી પોલીસ સ્ટેશનમાં જઇ ઓનલાઇન ઠગો સામે અરજી આપી હતી.
આ પણ વાંચો: સુરતમાં આગની ઘટના બાદ મિલ્કતો સીલ કરવાનો સિલસિલો યથાવત