સુરતમાં આગની ઘટના બાદ મિલ્કતો સીલ કરવાનો સિલસિલો યથાવત
- 8 હોટલ, 1 હોસ્પિટલ અને 2 જીમ સીલ કરવાની કામગીરી કરી
- અઠવા ઝોનમાં લાગેલી આગ બાદ પોલીસ કાર્યવાહી કડક થઈ
- તપાસ દરમિયાન 23 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે
સુરત પાલિકાના અઠવા ઝોનમાં લાગેલી આગ બાદ પોલીસ કાર્યવાહી કડક થઈ રહી છે તેથી પાલિકાએ પણ હાલ અપૂરતી ફાયર સુવિધાવાળી હોટલ શોધવાની કામગીરી હાથ ધરી છે. પાલિકાના ફાયર વિભાગે 8 હોટલ, 1 હોસ્પિટલ અને 2 જીમ સીલ કરવાની કામગીરી કરી હતી.
તપાસ દરમિયાન 23 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે
એક હોસ્પિટલ, ચાર હોટલ સહિત પાલિકાએ બે કોમ્પ્લેક્ષ, ભંગારની દુકાન, મેડિકલ સહિતની અનેક મિલકતો સીલ કરવા સાથે નોટિસ પણ ફટકારી છે. પાલિકાએ અઠવા, સેન્ટ્રલ અને રાંદેર ઝોનમાં આઠ હોટલ અને બે જીમમાં ફાયર સિસ્ટમનો અભાવ નજરે પડતા સીલીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકાના ફાયર વિભાગની 9 ટીમો દ્વારા શહેરના ઉધના, કતારગામ અને સેન્ટ્રલ ઝોન સહિત રાંદેર ઝોનમાં હાથ ધરવામાં આવેલ તપાસ દરમિયાન 23 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે.
સેન્ટ્રલ ઝોનમાં 14 અને રાંદેર ઝોનમાં ચાર સંસ્થાઓને નોટિસ ફટકારી
ઉધના ઝોનમાં એક, કતારગામ ઝોનમાં 4, સેન્ટ્રલ ઝોનમાં 14 અને રાંદેર ઝોનમાં ચાર સંસ્થાઓને નોટિસ ફટકારીને વહેલી તકે ફાયર સેફટીની સુવિધા-એનઓસી મેળવી લેવા માટે તાકીદ કરી હતી. પાલિકાના સેન્ટ્રલ, ઉધના એ અને બી કતારગામ અને રાંદેર ઝોનમાં સર્વેની કામગીરી કરી હતી. જેમાં સેન્ટ્રલ ઝોનમાં ત્રણ મેડિકલ સ્ટોર, બે ગોડાઉન અને એક કોમ્પ્લેક્ષ સાથે એક બેઝમેન્ટ સીલ કરી હતી. આ ઉપરાંત કતારગામ ઝોનમાં બે હોટલમાં ફાયર સેફ્ટીનો અભાવ જણાતા તે પણ સીલ કરી હતી.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં વોટર મેટ્રોની મુસાફરી કરી શકાશે