ગુજરાતના આ શહેરમાં વોટર મેટ્રોની મુસાફરી કરી શકાશે
- રિવરફ્રન્ટ ધ્યાને રાખીને વોટર ટ્રાન્સપોર્ટને ઇન્ટિગ્રેટેડ કરવા વિચારણા
- તાપી નદીમાં ટ્રાન્સ્પોર્ટેશન માટે પણ ઉપયોગ થઈ શકે તે માટે આયોજન
- 22 નવેમ્બરના રોજ સુરત ખાતે કોચી વોટર મેટ્રોની ટેકનિકલ સભ્યોની ટીમ આવશે
સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદી સુરતીઓની પીવાના પાણી માટે જીવાદોરી છે પરંતુ હવે તાપી નદી પર બેરેજ સાકાર થાય પછી સુરત પાલિકા તાપી નદીનો મહત્તમ ઉપયોગ કરીને તાપી રિવરફ્રન્ટ ધ્યાને રાખીને વોટર ટ્રાન્સપોર્ટને ઇન્ટિગ્રેટેડ કરવા વિચારણા થઈ હતી.
22 નવેમ્બરના રોજ સુરત ખાતે કોચી વોટર મેટ્રોની ટેકનિકલ સભ્યોની ટીમ આવશે
પાલિકા કમિશનરની વિદેશમાં મુલાકાત દરમિયાન કોચીના વોટર મેટ્રોના ટેકનિકલ સભ્યોની ટીમ સાથે પણ મુલાકાત થઈ હતી. સુરત મ્યુનિ. કમિશનર સાથેની ચર્ચા બાદ આગામી 22 નવેમ્બરના રોજ સુરત ખાતે કોચી વોટર મેટ્રોની ટેકનિકલ સભ્યોની ટીમ આવશે. આ ટીમ સાથે સુરત પાલિકાની ટીમ બેરેજના અપસ્ટ્રીમની મુલાકાત લેશે. સુરતમાંથી પસાર થતી તાપી નદી પર બેરેજ બનાવવા માટે કવાયત શરૂ થઈ ગઈ છે. તાપી નદી પર બેરેજ બનવા સાથે સુરતીઓને પીવાના પાણીનો સ્ત્રોતમાં વધારો થશે.
તાપી નદીમાં ટ્રાન્સ્પોર્ટેશન માટે પણ ઉપયોગ થઈ શકે તે માટે આયોજન
આ ઉપરાંત તાપી નદી બારેમાસ પાણીથી ભરાયેલી હોય તેવા સમયે તાપી નદીમાં ટ્રાન્સ્પોર્ટેશન માટે પણ ઉપયોગ થઈ શકે તે માટે આયોજન થઈ રહ્યું છે. સુરત પાલિકાના રજુ થયેલા ડ્રાફ્ટ બજેટમાં તાપી રિવરફ્રન્ટ ધ્યાને રાખીને વોટર ટ્રાન્સપોર્ટને ઇન્ટિગ્રેટેડ કરવા બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી. ભારતના કોચી વિસ્તારમાં દેશની પહેલી વોટર મેટ્રો છે તેવી જ રીતે હવે સુરતમાં વોટર મેટ્રો બનાવવા માટે આયોજન થઈ રહ્યું છે. થોડા સમય પહેલા પેરીસ ખાતે ટ્રાન્સ્પોર્ટેશન અંગેના વર્કશોપમાં ગુજરાત સરકાર વતી પ્રતિનિધિ તરીકે હાજર સુરત પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ સાથે કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટના ટેકનિકલ હેડ પણ ઉપસ્થિત હતા. તેમની આ મુલાકાત બાદ સુરતમાં પણ તાપી નદીમાં વોટર મેટ્રો અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
108 કિલોમીટર લાંબા બીઆરટીએસ કોરિડોરને પણ સાંકળી લેવાશે!
મ્યુનિસિપલ કમિશનર સાથેની બેઠક બાદ એસીઈ ભગવાગર અને તેમની ટીમને કોચીના તજજ્ઞોની ટીમને તાપી નદીના બંને કાંઠે સુચિત બેરેજના અપસ્ટ્રીમ વિસ્તારમાં નદી કાંઠાની વિઝિટ માટેની જવાબદારી સોપવામાં આવી છે. સુરતમાં 108 કિલોમીટર લાંબા બીઆરટીએસ કોરિડોરને પણ સાંકળીને સુચિત બેરેજના અપસ્ટ્રીમમાં કઈ જગ્યાએ વોટર મેટ્રો માટેના સ્ટેશન ઊભા કરી શકાય? તે અંગેની સ્થળ વિઝિટ કરી શક્યતાની ચકાસણી કરવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં 13 પોલીસ કર્મચારીઓની અન્ય જિલ્લાઓમાં બદલી