ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

HCનો હિમાચલ પ્રદેશ સરકારને મોટો ફટકો, દિલ્હીમાં હિમાચલ ભવન જપ્ત કરવાનો આદેશ

  • સેલી હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કંપની લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી બાદ આદેશ જારી 

શિમલા, 19 નવેમ્બર: હિમાચલ પ્રદેશની સુક્ખુ સરકારને આજે મંગળવારે હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે રાજ્ય સરકાર દ્વારા સેલી હાઈડ્રો કંપનીને રૂ. 64 કરોડના લેણાંની ચૂકવણી ન કરવા બદલ દિલ્હીમાં હિમાચલ ભવનને જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. સેલી હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કંપની લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી બાદ આદેશ જારી કરવામાં આવ્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે, કંપનીને તેની બાકી રકમ વસૂલવા માટે હિમાચલ ભવનની હરાજી કરવાની મંજૂરી આપવામાં આવે.

 

હાઇકોર્ટે સરકારને પૂછ્યો પ્રશ્ન 

હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના જસ્ટિસ અજય મોહન ગોયલે રૂ. 64 કરોડના લેણાંને લઈને આ આદેશ આપ્યો હતો. હકીકતમાં, કંપનીને રાજ્યના ઉર્જા વિભાગ પાસેથી વ્યાજ સહિત આ રકમ મળવાની હતી, જે હજુ સુધી આપવામાં આવી નથી. હાઇકોર્ટે ઉર્જા વિભાગના અગ્ર સચિવને આદેશ કર્યો છે કે, કયા અધિકારી કે અધિકારીઓની બેદરકારીના કારણે હજુ સુધી આ રકમ કેમ જમા કરવામાં આવી નથી તેની હકીકતલક્ષી તપાસ કરવી. આ સાથે કોર્ટે કહ્યું કે, દોષિત અધિકારીઓ પાસેથી વ્યક્તિગત રીતે આ વ્યાજની રકમ વસૂલવાના આદેશ આપવામાં આવશે.

હાઈકોર્ટે કેસની તપાસ માટે 15 દિવસની સમયમર્યાદા નક્કી કરી છે અને આગામી સુનાવણી માટે 6 ડિસેમ્બર, 2024 નક્કી કરી છે. કોર્ટે રાજ્ય સરકારને સ્પષ્ટ માહિતી આપવા પણ કહ્યું છે કે, બાકીની રકમ હજુ સુધી શા માટે ચૂકવવામાં આવી નથી, જ્યારે તે ઘણા વર્ષો પહેલા વસૂલ કરવી જોઈતી હતી.

આ મામલો 2009નો છે, જ્યારે રાજ્યની તત્કાલિન ભાજપ સરકારે લાહૌલ સ્પીતિમાં સેલી હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કંપની લિમિટેડને 320 મેગાવોટનો પાવર પ્રોજેક્ટ ફાળવ્યો હતો. આ અંતર્ગત બીઆરઓ દ્વારા કંપનીને રોડ બનાવવાનું કામ આપવામાં આવ્યું હતું. કરાર હેઠળ, સરકારે કંપનીને જરૂરી પાયાની સુવિધાઓ પૂરી પાડવાનું વચન આપ્યું હતું, જેથી પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થઈ શકે. જોકે, બાદમાં અનેક વિવાદોને કારણે કંપનીએ 2017માં હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, ત્યારબાદ મામલો કાનૂની ગૂંચવણોમાં ફસાઈ ગયો હતો. કંપનીનો આરોપ છે કે, સરકાર આ પ્રોજેક્ટ માટે મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે.

હાઈકોર્ટનો આદેશ હજુ વાંચ્યો નથી, સરકાર નિર્ણયનો અભ્યાસ કરશેઃ CM

રાજ્યના મુખ્યપ્રધાન સુખવિંદર સિંહ સુક્ખુનું કહેવું છે કે, તેમણે હજુ સુધી હાઈકોર્ટના આદેશની નકલ વાંચી નથી. તેમણે કહ્યું કે, અપફ્રન્ટ પ્રીમિયમ 2006ની ઊર્જા નીતિ હેઠળ નક્કી કરવામાં આવે છે. આર્બિટ્રેશનનો નિર્ણય ચિંતાજનક છે અને સરકાર આ નિર્ણયનો અભ્યાસ કરશે.

ભાજપે સરકાર પર નિશાન સાધ્યું

આ દરમિયાન, હિમાચલ ભવનની હરાજી કરવાના આદેશે રાજ્યની શાસક સુક્ખુ સરકારની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે. હાલમાં આ મુદ્દો વિપક્ષ માટે એક મોટું રાજકીય હથિયાર બનતો જોવા મળી રહ્યો છે. હાઈકોર્ટના નિર્ણય બાદ હિમાચલ પ્રદેશ ભાજપે કોંગ્રેસ સરકાર પર જોરદાર નિશાન સાધ્યું છે. વિપક્ષના નેતા જયરામ ઠાકુરે કહ્યું કે, રાજ્યનું ગૌરવ ગણાતું હિમાચલ ભવન આજે જપ્ત થવાના આરે છે. રાજ્ય માટે આ ખૂબ જ શરમજનક ઘટના છે. મુખ્યમંત્રી અને તેમની સરકારે રાજ્યની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડી છે અને હિમાચલ હવે હરાજીના તબક્કામાં છે.

આ સાથે જ BJPના પ્રદેશ અધ્યક્ષ ડો.રાજીવ બિંદલે પણ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, હાઈકોર્ટે રાજ્ય સરકાર પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. સરકાર કોર્ટમાં પોતાનો કેસ રજૂ કરી શકતી નથી, તેથી હિમાચલ ભવનને જપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સરકારની નિષ્ફળતાનો આ સીધો પુરાવો છે.

આ પણ જૂઓ: મહારાષ્ટ્રને ગુજરાત બનાવવા માંગે છે કેન્દ્ર સરકાર, સંજય રાઉતે મતદાન પહેલા સરકાર પર નિશાન સાધ્યું

Back to top button