વિરાટ કોહલી પર્થમાં રચશે ઈતિહાસ, પૂજારા-દ્રવિડનો રેકોર્ડ એક જ ઝાટકે તૂટશે
- ભારતીય ટીમ પર્થમાં રમાનાર ઓસ્ટ્રેલિયા ટુરની પ્રથમ ટેસ્ટ મેચ માટે જોરશોરથી તૈયારી કરી રહી છે
નવી દિલ્હી, 19 નવેમ્બર: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભારતીય ટીમ 22 નવેમ્બરથી પર્થમાં રમાનાર ઓસ્ટ્રેલિયા ટુરની પ્રથમ ટેસ્ટ મેચ માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. કેપ્ટન રોહિત શર્મા પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમને પોતાની સેવાઓ આપી શકશે નહીં. આવી સ્થિતિમાં બેટિંગની સંપૂર્ણ જવાબદારી વિરાટ કોહલીના ખભા પર રહેશે. રોહિતની ગેરહાજરીમાં પ્રશંસકો પ્રથમ ટેસ્ટમાં વિરાટ કોહલી પાસેથી મોટી ઇનિંગ્સની આશા રાખશે, જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે.
શાનદાર રેકોર્ડ બનાવવાની તક
વિરાટ કોહલી પાસે પણ પર્થ ટેસ્ટ દરમિયાન શાનદાર રેકોર્ડ બનાવવાની તક હશે. હકીકતમાં, ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીનો રેકોર્ડ શાનદાર છે. કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં 24 મેચની 44 ઇનિંગ્સમાં 47.48ની એવરેજથી 2042 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 8 સદી અને 5 અડધી સદી ફટકારી છે. તે ભારતીય બેટ્સમેન દ્વારા ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં 5મો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.
જો વિરાટ કોહલી પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન બંને ઇનિંગ્સમાં કુલ 102 રન બનાવવામાં સફળ થશે તો તે ભારતના બે દિગ્ગજ બેટ્સમેનોના રેકોર્ડને તોડી નાખશે. પ્રથમ ટેસ્ટ મેચમાં 33 રન બનાવીને કોહલી ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ચેતેશ્વર પૂજારાને પાછળ છોડી દેશે. પુજારાના નામે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં 2074 રન છે. એટલું જ નહીં પુજારા બાદ કોહલી પાસે હજુ પણ એક દિગ્ગજ રાહુલ દ્રવિડને પાછળ છોડવાની મોટી તક હશે. કોહલી દ્રવિડના રનના આંકડાથી માત્ર 101 રન દૂર છે. દ્રવિડે ઓસ્ટ્રેલિયા સામે 54 ટેસ્ટ ઇનિંગ્સમાં 2143 રન બનાવ્યા છે.
ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન
- સચિન તેંડુલકર- 3630 રન (74 ઇનિંગ્સ)
- VVS લક્ષ્મણ- 2434 રન (54 ઇનિંગ્સ)
- રાહુલ દ્રવિડ- 2143 રન (54 ઇનિંગ્સ)
- ચેતેશ્વર પૂજારા- 2074 રન (45 ઇનિંગ્સ)
- વિરાટ કોહલી- 2042 રન (44 ઇનિંગ્સ)
ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ મહાન સચિન તેંડુલકરના નામે છે. સચિને 74 ટેસ્ટ ઇનિંગ્સમાં 3630 રન બનાવ્યા છે જેમાં 11 સદી અને 16 અડધી સદી સામેલ છે. જોકે, સચિનના આ રેકોર્ડ સુધી પહોંચવા માટે કોહલીને થોડી રાહ જોવી પડશે.
આ પણ જૂઓ: રોહિત શર્મા પ્રથમ ટેસ્ટમાં નહીં રમે, BCCIએ આપી માહિતી, જાણો ટીમનું સુકાન કોણ સંભાળશે?