ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ભરૂચ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત : બે બાળકો સહીત 6ના મૃત્યુ

Text To Speech

ભરૂચ, 19 નવેમ્બર : ભરૂચ પાસે સોમવારે મોડી સાંજે એક ભયાનક અકસ્માત થયો હતો. ઈકો કાર અને ટ્રક વચ્ચેની ટકકરમાં બે બાળકો સહિત 6 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા જ્યારે કે 4 લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના જંબુસર – આમોદ રોડ ઉપર બની હતી.

મૃતકો વેડચ અને પાંચકડા ગામના વતની હતા

આ ઘટના અંગે જાણવા મળ્યા મુજબ ભરૂચના જંબુસર – આમોદ રોડ ઉપર ગઈકાલે સોમવારે સાંજે GJ16DG6225 નંબરની ઈકો કાર અને GJ16AU0740 નંબરના ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ઘટનામાં દશેક લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. જે પૈકી તપાસ દરમિયાન બે બાળકો, બે મહિલા અને બે પુરુષ સહિત 6 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ થયા હતા.

બીજી બાજુ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને મૃતકોના મૃતદેહોને પીએમ માટે ખસેડયા હતા જ્યારે કે બાકીના 4 ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, તમામ મૃતકો અને ઇજાગ્રસ્તો વેડચ અને પાંચકડા ગામના વતની હતા.

શુકલતીર્થના મેળામાં જતા હતા

આ ઘટના અંગે જંબુસર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, આ મૃતકો અને ઇજાગ્રસ્તો વેડચ અને પાંચકડા ગામના વતની હતા. તેઓ શુકલતીર્થના મેળામાં જતા હતા. જો કે આ અંગે હજુ સત્તાવાર કોઈ જાણકારી પોલીસ દ્વારા આપવામાં આવી નથી.

આ પણ વાંચો :- દિલ્હીમાં પ્રદૂષણ પહોંચ્યું ખતરનાક સ્તરે, N95 માસ્ક પણ થઈ શકે છે ફેલ

Back to top button