મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી પ્રચારનો અંતઃ જાણો મતદાન અને પરિણામ વિશે
મુંબઈ/રાંચી, 18 નવેમ્બર, 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી પ્રચારનો અંત આવી ગયો છે. બંને રાજ્યમાં 20 નવેમ્બરને બુધવારે મતદાન થશે. મહારાષ્ટ્રમાં એક તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે, જ્યારે ઝારખંડમાં 20મીએ બીજા તબક્કાનું મતદાન થશે. અગાઉ 13 નવેમ્બરે 43 બેઠકો માટે મતદાન થયું હતું. અને હવે બીજા તબક્કામાં 20 નવેમ્બરે બાકીની 38 બેઠકો માટે મતદાન થશે. તે સાથે જ બુધવારે મહારાષ્ટ્રમાં 288 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થશે. બંને રાજ્યમાં 23 નવેમ્બરને શનિવારે પરિણામ જાહેર થશે.
મહારાષ્ટ્રમાં ભાજપ યુતિમાં ત્રણ પક્ષ અને સામે કોંગ્રેસ યુતિમાં પણ ત્રણ પક્ષનું મુખ્યત્વે જોડાણ છે. ભાજપ યુતિમાં ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને એનસીપી (અજિત પવાર જૂથ) છે. ભાજપ 288માંથી 143 બેઠકો ઉપર ચૂંટણી લડે છે જ્યારે શિવસેના (શિંદે) 81 બેઠક ઉપર અને એનસીપી (અજિત પવાર) 59 બેઠકો પર ચૂંટણી લડે છે. બાકીની બેઠકો અન્ય નાના સહયોગી પક્ષો માટે છોડવામાં આવી છે. એ જ રીતે કોંગ્રેસ યુતિમાં કોંગ્રેસ 101 બેઠકો ઉપર ચૂંટણી લડે છે. તે સિવાય શિવસેના (ઉદ્ધવ જૂથ) 95 અને એનસીપી (શરદ પવાર જૂથ) 86 બેઠકો પર ચૂંટણી લડે છે. બાકીની છ બેઠક અન્ય નાના પક્ષો માટે છોડવામાં આવી છે.
ભાજપ અને કોંગ્રેસ બંને યુતિ માટે મહારાષ્ટ્ર અને ઝારખંડ બંને રાજ્યની ચૂંટણી પ્રતિષ્ઠાનો વિષય છે. ઝારખંડમાં હાલ જેએમએમની સરકાર છે જેમાં કોંગ્રેસ સહયોગી પક્ષ છે, જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના-એનસીપીની સંયુક્ત સરકાર છે.
બંને રાજ્ય વિધાનસભાની ચૂંટણી ઉપરાંત લોકસભા તેમજ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે જેમાં ગુજરાતની વાવ બેઠકનો પણ સમાવેશ થાય છે. વાવ બેઠકનું પરિણામ પણ 23 નવેમ્બરને શનિવારે જાહેર થશે. ભાજપ અને તેના સહયોગી પક્ષો માટે ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની નવ (9) બેઠકો માટે પેટાચૂંટણી યોજાઈ રહી છે. કુલ 10 રાજ્યોમાં 31 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે.
આ વખતે લોકસભાની માત્ર એક બેઠક – વાયનાડ માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એપ્રિલ-મે 2024માં યોજાયેલી ચૂંટણીમાં કેરળની વાયનાડ ઉપરાંત ઉત્તરપ્રદેશની બરેલી બેઠક ઉપર પણ જીત મેળવી હતી. ત્યારબાદ તેમણે વાયનાડની બેઠક ખાલી કરી હતી જ્યાં હવે તેમના બહેન પ્રિયંકા વાડરા ચૂંટણી લડી રહ્યાં છે. પ્રિયંકા વાડરા છેલ્લા ઘણા વર્ષથી રાજકારણમાં સક્રિય છે પરંતુ સૌપ્રથમ વખત પોતે ચૂંટણી લડી રહ્યાં છે, તેથી આ વખતની ચૂંટણી તેમના માટે પણ અગત્યની છે.
આ પણ વાંચોઃ રાજકોટઃ વૃદ્ધાશ્રમને લગતા આ સમાચાર સારા ગણાય કે ખરાબ એ તમે જ નક્કી કરો, વાંચો