કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટમાં આવારાતત્વોનો આતંક, ડઝનેક વાહનોના કાચ ફોડ્યા

Text To Speech

રાજકોટ શહેરમાં આવારાતત્વોનો વધુ એક વખત આતંક સામે આવ્યો છે. શહેરનાં જામનગર રોડ ઉપર આવેલી સોસાયટીઓમાં ડઝનેક જેટલા વાહનોના કાચ ફોડવાની ઘટના સામે આવી છે. જામનગર રોડ ઉપર આવેલ હુસેની ચોક, ભિસ્તીવાડ, સ્લમ કવાટર્સ સહિતના વિસ્તારોમાં બેફામ બનેલા શખસોએ રિક્ષા, કાર, ટુ-વ્હીલર સહિતના વાહનોને નિશાન બનાવ્યા છે. મોડી રાત્રીથી વહેલી સવાર દરમિયાન બનેલી આ ઘટનાનાં પગલે સ્થાનિકોમાં પોલીસની કાર્યવાહીને લઇ રોષ જોવા મળ્યો છે. આ વિસ્તારના રહીશો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે, અહિં માથાભારે શખસો દ્વારા ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે તેઓનો એટલો ફફડાટ અહિં છે કે, સ્થાનિકો તેઓનું નામ આપવામાં પણ ડર અનુભવે છે ત્યારે આ મામલે વહેલી તકે આકરી કાર્યવાહી કરવામાં આવે અને લુખ્ખા તેમજ બેફામ બનેલા આવરાતત્વોને પાઠ ભણાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

 રાજકોટ શહેરમાં વાહનોના કાચ ફોડવાની ઘટના
રાજકોટ શહેરમાં વાહનોના કાચ ફોડવાની ઘટના
 રાજકોટ શહેરમાં વાહનોના કાચ ફોડવાની ઘટના
રાજકોટ શહેરમાં વાહનોના કાચ ફોડવાની ઘટના

બે અજાણ્યા શખ્સો સામે પ્ર.નગર પોલીસ મથકે ફરિયાદ
પ્રાપ્ત વિગતો મુજબ જામનગર રોડ હુડકો ક્વાર્ટર શેરી નં. 5માં રહેતા રફીકભાઈ ઓસમાણભાઈ દલ (ઉ.વ.35) નામનાં યુવકે બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા કલમ 427, અને 114 મુજબ કાર્યવાહી કરી હેડ કોન્સ્ટેબલ વિમલભાઈ રાજપુતે તપાસ શરુ કરી છે. રફીકભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ડ્રાઈવીંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પાસે જીજે 03 બીએક્સ 4125 નંબરની રીક્ષા તેમજ જીજે 03 એચઆર 5227 નંબરની ઇકો ગાડી છે. રાત્રિના બે વાગ્યાના સમયે ઘર નજીક આવેલા હુસેની ચોકમાં આશિકાના હુસેન કમિટીની સબીલે વાએઝ રાખી હતી. જે વાએઝ પુરી થતાં રફીકભાઈ તેમજ સોસાયટીમાં રહેતા લોકો ઘરે સુવા માટે ગયા હતા અને રફીકભાઈ પોતાના ઘરે સૂતા હતા ત્યારે સવા ત્રણેક વાગ્યે સબીલ પાસે લતાવાસીઓ એકઠા થઇ ગયા હોવાનું માલુમ પડતા રફીકભાઈ ત્યાં ગયા હતા અને સબીલ પાસે ગયા ત્યારે તેઓને જાણવા મળ્યું કે વિસ્તારમાં બે અજાણ્યા વ્યક્તિ બાઈક લઇ શેરીમાં નીકળ્યા હતા અને તેઓ પાસે રહેલા ધારદાર હથિયારથી રીક્ષા, કાર તેમજ પીકઅપ વાહન સહિતના 10 જેટલા વાહનોમાં તોડફોડ કરી મોટુ નુકસાન કર્યું હતું અને આરોપીઓ ત્યાંથી નાશી જઇ સિંધી કોલોની તરફ જતા રહ્યા હતા અને હુડકો ક્વાર્ટર મેઇન રોડ પર પાર્ક કરેલી જીજે 03 એચઆર 5227 નંબરની ઇકો અને જીજે 03 બીએક્સ 4125 નંબરની રિક્ષાના કાચ તોડી નાખ્યા હતાં. તેમજ વિસ્તારનાં રહેતા અન્ય એક વ્યક્તિએ રસ્તા પર પાર્ક કરેલી જીજે 03 એએચ 2592 નંબરની કાર, જીજે 03 એચઆર 7862 નંબરની કાર, જીજે 03 જેસી 8358 નંબરની ઇન્ડીગો મોટર કાર, જીજે 03 બીયુ 1971 નંબરની રિક્ષા, જીજે 27 ટી 8864 નંબરની અતુલ રિક્ષા તેમજ જીજે 07 વીડબલ્યુ 5293 નંબરની રિક્ષાનો કાચ તોડી અજાણ્યા વ્યક્તિ ત્યાંથી ભાગી ગયા હતા. આરોપીઓ હુડકો ક્વાર્ટર પાસેથી નાસી જઇ અન્ય વિસ્તારોમાં પણ તોડફોડ કરી હોવાનું માલુમ પડતા લતાવાસીઓ અને વાહનચાલકો પોલીસ મથકે દોડી ગયા હતા. જેમાં રફીકભાઈની ફરિયાદ નોંધી નુકસાન અંગેની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

 રાજકોટ શહેરમાં વાહનોના કાચ ફોડવાની ઘટના
રાજકોટ શહેરમાં વાહનોના કાચ ફોડવાની ઘટના
Back to top button