ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

DRDO એ કર્યું લાંબા અંતરની હાઈપરસોનિક મિસાઈલનું સફળ પરીક્ષણ, જાણો શું છે ખાસિયત

નવી દિલ્હી, તા. 17 નવેમ્બર, 2024: ડીઆરડીઓએ ઓડિશાના દરિયાકાંઠાના ડૉ. એ પી જે અબ્દુલ કલામ ટાપુ પરથી શનિવારે લાંબા અંતરની હાઇપરસોનિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ હાઇપરસોનિક મિસાઇલ ભારતીય સશસ્ત્ર દળોની તમામ સેવાઓ માટે 1500 કિમીથી વધુની રેન્જમાં વિવિધ પેલોડ લઈ જવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. મિસાઇલને વિવિધ ક્ષેત્રોમાં તૈનાત વિવિધ રેન્જ સિસ્ટમ્સ દ્વારા ટ્રેક કરવામાં આવી હતી. ડાઉન રેન્જ શિપ સ્ટેશનોના ફ્લાઇટ ડેટાએ સફળ ટર્મિનલ કવાયત અને ઉચ્ચ ચોકસાઈ સાથે અસરની પુષ્ટિ કરી હતી.

આ મિસાઇલને હૈદરાબાદના ડૉ. એપીજે અબ્દુલ કલામ મિસાઇલ કોમ્પ્લેક્સ ખાતેની પ્રયોગશાળાઓ અને ડીઆરડીઓની અન્ય વિવિધ પ્રયોગશાળાઓ અને ઉદ્યોગ ભાગીદારો દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે. આ પરીક્ષણ ડીઆરડીઓ અને સશસ્ત્ર દળોના વરિષ્ઠ વૈજ્ઞાનિકોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આરડીઓની આ અભૂતપૂર્વ સિદ્ધિ અદ્યતન હાઈપરસોનિક મિસાઇલ ટેકનોલોજી ધરાવતા દેશોના પસંદગીના જૂથમાં ભારતની સ્થિતિને મજબૂત બનાવે છે. આ મિસાઇલ ભારતની વધતી આત્મનિર્ભરતા અને “મેક ઇન ઇન્ડિયા” પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે વાયુસેનાને પાઠવ્યા અભિનંદન

રક્ષામંત્રી રાજનાથ સિંહે આ સિદ્ધિ બદલ ભારતીય વાયુસેનાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે તેને દેશ માટે ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. તેમણે ડીઆરડીઓની ટીમ, સશસ્ત્ર દળો અને ઉદ્યોગના ભાગીદારોને આ ઐતિહાસિક સફળતામાં તેમના અસાધારણ યોગદાન બદલ અભિનંદન પાઠવ્યા હતા. રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું, ભારતે ડૉ. એ પી જે અબ્દુલ કલામ ટાપુથી લાંબા અંતરની હાઈપરસોનિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરીને એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ નોંધપાત્ર સિદ્ધિ આપણા દેશને આવી અદ્યતન લશ્કરી ક્ષમતાઓ ધરાવતા દેશોના પસંદગીના જૂથમાં મૂકે છે.

શું છે ખાસિયત

હાઇપરસોનિક મિસાઇલોની વિશિષ્ટ વિશેષતા એ છે કે તેઓ 5 મેક એટલે કે 6174 કિમી/કલાકથી વધુની ઝડપે મુસાફરી કરવાની ક્ષમતા ધરાવે છે. મિસાઈલનું સફળ પરીક્ષણ અત્યાધુનિક સૈન્ય ટેકનોલોજી અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવામાં ભારતની વધતી ક્ષમતાઓને દર્શાવે છે.


આ પણ વાંચોઃ માત્ર 1 રૂપિયામાં જ ખરીદી શકાય છે સોનું, જાણો કઈ રીતે

Back to top button