ગુજરાતના ખેડૂતો માટે વધુ એક સારા સમાચાર, પાક સંગ્રહ સ્ટ્રક્ચરની સહાયમાં વધારો
- આ યોજનામાં અગાઉ રૂ.75 હજારની સહાય ચુકવાતી હતી
- સહાયમાં વધારો કર્યા બાદ ચાલુ વર્ષે 13982 ખેડૂતોને સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે પૂર્વ મંજૂરી અપાઈ
- આ યોજના હેઠળ વર્ષ 2021-22થી વર્ષ 2023-24 સુધીમાં 36600થી વધુ ખેડૂતોને રૂ.184.27 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગાંધીનગર, 16 નવેમ્બર : રાજ્યના ખેડૂતોને તેમની ખેતપેદાશોના બજારમાં સારા ભાવ મળે તે માટે ખેતપેદાશોની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાય અને બજારમાં જ્યારે પાકના સારા ભાવ હોય ત્યારે જ ખેત પેદાશોનું વેચાણ થાય તે ખૂબ જ જરૂરી છે. પરંતુ અનેક ખેડૂતો પાસે કાપણી પછી ખેતપેદાશોને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે કોઈ યોગ્ય સુવિધા ઉપલબ્ધ ન હતી. પરિણામે કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવતો હતો. ગુજરાતના ખેડૂતોની આ વ્યથા સમજીને રાજ્ય સરકારે વર્ષ 2021-22માં નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકી હતી. જેની સહાયમાં રાજ્ય સરકાર દ્વારા નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ યોજના અંગે વાત કરતા કહ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોને પોતાના ખેતરમાં જ સંગ્રહસ્થાન ઉભું કરવા માટે પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકાઈ હતી. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછુ 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવવાનું હોય છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.
આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50 ટકા અથવા રૂ.75000 સહાય આપવામાં આવતી હતી. ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ચાલુ વર્ષે સહાયની રકમમાં વધારો કર્યો છે. હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતને આ યોજના હેઠળ કુલ ખર્ચના 50 ટકા અથવા રૂ.1 લાખ બંને માંથી જે ઓછુ હોય તે સહાય આપવામાં આવશે.
મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત વર્ષ 2021-22 થી વર્ષ 2023-24 સુધીમાં રાજ્યના 36600થી વધુ ખેડૂતોને સંગ્રહસ્થાન ઉભું કરવા માટે રૂ.184.27 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. સહાયની રકમમાં વધારો કર્યા બાદ ચાલુ વર્ષે આ યોજના હેઠળ રાજ્યભરના કુલ 13982 ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે પૂર્વ મંજૂરી આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ખેડૂતો આ યોજનાનો લાભ મેળવીને પોતાની ખેત પેદાશોને આશરે 16 થી 17 મેટ્રિક ટન જેટલી સંગ્રહ ક્ષમતા ધરાવતા 330 ચોરસ ફૂટના આ સ્ટ્રક્ચરમાં લાંબા સમય સુધી વરસાદ, વાવાઝોડું, તીડ અને ચોરી જેવી આકસ્મિક આફતો સામે સુરક્ષિત રાખી શકશે. એટલું જ નહિ, ખેતી કાર્યોમાં વપરાતી ખાતર, બીયારણ, દવા, ખેત ઓજારો, સિંચાઈના સાધનો અને તાડપત્રી જેવી વિવિધ સામગ્રીને પણ ખેડૂતો આ સંગ્રહ સ્ટ્રક્ચરમાં વ્યવસ્થિત રીતે સાચવી શકશે. પરિણામે ખેડૂતોની આવકમાં વધારો પણ થશે.
આ પણ વાંચો :- કિંમત 80 કરોડ , વજન 8476 કિલો, કોની હશે આ ચાંદીની પાટો? ઝડપાયેલો ડ્ર્રાઈવર મોં ખોલશે ત્યારે…