રોહિત શર્મા બીજી વાર બન્યો પિતા, રિતિકાએ આપ્યો પુત્રને જન્મ
મુંબઈ, તા.16 નવેમ્બર, 2024: ટીમ ઈન્ડિયાના વન-ડે અને ટેસ્ટ કેપ્ટન રોહિત શર્મા 15 નવેમ્બર શુક્રવારે બીજી વખત પિતા બન્યા હતા. તેમની પત્ની રિતિકા સજદેહ પુત્રને જન્મ આપ્યો હતો. આ પહેલા રોહિત-રિતિકાના ઘરે નાના મહેમાનનું આગમન પર્થ ટેસ્ટ દરમિયાન થશે તેમ માનવામાં આવતું હતું. આ કારણે રોહિત શર્મા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા રવાના થયેલી ટીમ ઈન્ડિયા સાથે નહોતો ગયો. હવે એવું માનવામાં આવે છે કે હિટમેન ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ રમી શકે છે. રોહિત શર્મા અને રિતિકા સજદેહ પહેલેથી જ પુત્રી સમાયરાના માતાપિતા છે. બંનેએ તેમના બીજા બાળકના સમાચાર અત્યાર સુધી બધાથી ગુપ્ત રાખ્યા હતા.
ઓસ્ટ્રેલિયાના પર્થમાં રમાવાની પ્રથમ ટેસ્ટ મેચના લગભગ 6 દિવસ પહેલા તેની પત્નીએ બાળકને જન્મ આપ્યો છે. આવી સ્થિતિમાં રોહિત શર્મા પાસે હવે આ મેચ માટે ટીમ સાથે જોડાવાનો સંપૂર્ણ સમય છે. રોહિત ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયા માટે રવાના થવાની ધારણા છે. ભારતના હેડ કોચ ગૌતમ ગંભીરે કહ્યું હતું કે રોહિતની પ્રથમ ટેસ્ટમાં રમવાની કોઈ પુષ્ટિ નથી થઈ, પરંતુ એવા અહેવાલો છે કે બીસીસીઆઈ રોહિતની તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવશે.
View this post on Instagram
રોહિત શર્મા ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમનો કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને તેની જરૂર છે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ પહેલી વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ રમશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલના દ્રષ્ટિકોણથી ટીમ ઇન્ડિયા માટે આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, રોહિત શર્મા જેટલી વહેલી તકે ટીમમાં જોડાશે, તે ભારતીય ચાહકો અને ટીમ માટે સારું રહેશે. હાલ ઓસ્ટ્રેલિયામાં પ્રેક્ટિસ દરમિયાન ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓને ઈજા થઈ છે. રોહિત શર્માના આવવાથી તે ખેલાડીઓ પર રમવા માટે વધારે દબાણ રહેશે નહીં.
આ પણ વાંચોઃ તિલક વર્માએ તોડ્યો વિરાટ કોહલીનો શાનદાર રેકોર્ડ, એક સિરીઝમાં 2 સદી ફટકારીને કર્યો કમાલ