ભરુચમાં સર્જાઈ દુઃખદ ઘટનાઃ શુક્લતીર્થમાં નદીમાં નહાવા પડેલા ત્રણ ડૂબ્યા
ભરૂચ, ૧૫ નવેમ્બર, ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામમાં ભરાતા કારતકી અગિયારસના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભરૂચના શુકલતીર્થમાં નર્મદા નદીમાં ન્હાવા માટે ગયેલા ત્રણ લોકો ડૂબ્યાં હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે. સમગ્ર ઘટનાની જાણ તંત્રને થતાં પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. જ્યારે અન્ય બે લાપતા લોકોની શોધખોળ ચાલી રહી છે. ભરૂચથી 17 કિલોમીટર દૂર આવેલા પૌરાણિક યાત્રાધામ શુકલતીર્થ ખાતે કારતક સુદ અગિયારસ થી મેળો ભરાય છે. જેમાં સમગ્ર ગુજરાત માંથી અંદાજે 4 લાખ યાત્રીઓ મેળો જોવા ઉમટી પડતા હોય છે.
ભરૂચ તાલુકાના શુકલતીર્થ મેળામાં સુરતના ગોડાદરા ગામનો સચિન નામનો યુવાન આવ્યો હતો તે મેળામાં આવેલા તંબુ ચકડોળ સહિતના સ્થળે છૂટક મજૂરી કરતો હતો ગઈકાલે બપોરના સમયે તે તેના મિત્રો સાથે શુકલતીર્થ ગામે નર્મદા કિનારે નાહવા માટે ગયો હતો. તેના મિત્રોએ સ્નાન કર્યા બાદ જતા રહ્યા હતા મોડે સુધી સચિન પરત આવ્યો ન હતો જો કે ત્યાર બાદ તેનો મૃતદેહ નદીમાં તરતો મળી આવ્યો હતો.યુવાનના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.બનાવની તપાસ પોલીસ ચલાવી રહી છે. શુકલતીર્થમાં નર્મદા નદીમાં ન્હાવા પડેલા અન્ય લોકો અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે પોલીસ અને તરવૈયાની મદદથી લાપતા બે લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.
ભરૂચથી 17 કિલોમીટર દુર આવેલાં પૌરાણિક યાત્રાધામ શુક્લતીર્થ ખાતે કારતક સુદ અગિયારસથી મેળોમાં સમગ્ર ગુજરાતમાંથી અંદાજીત 4 લાખ યાત્રીઓ મેળો મ્હાલવા ઉમટી પડતા હોય છે, જેને લઈને શુકલતીર્થ પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવે છે. તેમ છતાં આ ઘટના બનતા ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. યુવાનો ડૂબ્યા હોવાની શંકાને લઈને ગ્રામજનોએ પોલીસ અને ફરજ પરના અધિકારીઓ પર રોષ વ્યક્ત કર્યો હતો. તંત્રની બેદરકારીને લીધે યુવાનો ડૂબ્યા હોવાના આક્ષેપ સાથે લોકો તંત્ર સામે આક્ષેપ કરી રહ્યા છે.
આ પણ વાંચો..નરેન્દ્ર મોદીએ ત્રણ દાયકા કરતાં વધુ સમય પહેલાં આદિવાસી પરિવારમાં જે જોયું હતું…