ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રકૃષિખેતીગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

આહવા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો રાજ્યકક્ષાનો “જનજાતિય ગૌરવ દિવસ

  • ડાંગનો કાર્યક્રમ બન્યો ‘વિકાસ પર્વ’
  • મુખ્મંત્રીના હસ્તે કુલ રૂ.૧૦૨.૮૭ કરોડના ૩૭ વિકાસ કામોનું કરાયુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત
  • ૫૬૮ જેટલા લાભાર્થીઓને કુલ રૂ.૨૩૪ લાખના યોજનાકીય લાભો પણ એનાયત કરાયા
     

ડાંગ, 15 નવેમ્બર 2024 :    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કુલ રૂ.૧૦૨.૮૭ કરોડના ૩૭ જેટલા વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ઉપરાંત, ૫૬૮ જેટલા લાભાર્થીઓને અંદાજિત કુલ રૂ.૨૩૪ લાખના યોજનાકીય લાભોના વિતરણ સાથે આહવા ખાતે, રાજ્યકક્ષાનો “જનજાતિય ગૌરવ દિવસ” ઉજવાયો હતો.

બહુધા આદિજાતિ વસ્તી ધરાવતા ડાંગના આંગણે આયોજિત આ ઉજવણી કાર્યક્રમમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આ વર્ષે ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મ જયંતિની દેશભરમાં ઉજવણી થવાની છે તેની ભૂમિકા તેમણે આપી હતી.

મહાન ધર્મ યોદ્ધા, સમાજસેવક અને સ્વાતંત્ર્ય સેનાની એવા ભગવાન બિરસા મુંડાને તેમની જન્મજયંતીએ હૃદયપૂર્વક વંદન કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
સ્વાતંત્ર્ય સંગ્રામના આદિવાસી અગ્રીમ યોદ્ધા બિરસા મુંડાના બાળપણ અને તેમની મહાન ગાથાનું વર્ણન કરીને મુખ્યમંત્રીએ ભગવાન બિરસા મુંડાની મહાત્મા બનવા સુધીની યાત્રાની સગૌરવ ઝાંખી આપી હતી.

આઝાદીમાં મહત્વનું યોગદાન આપનાર આદિવાસી સમુદાયો સ્વતંત્રતા પછી દાયકાઓ સુધી વિકાસથી વંચિત રહ્યા હતા.
આજે આદિજાતિ વિકાસમાં ગુજરાત અગ્રેસર છે, તેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપીને પટેલે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની ધુરા સંભાળ્યા બાદ આદિજાતિ વિસ્તાર અને સમુદાયના સર્વાંગીણ વિકાસ માટે કરેલા કાર્યો ને પરિણામે આદિવાસીઓમાં આવેલા સામાજિક શૈક્ષણિક અને આર્થિક પરિવર્તન વિશે વિસ્તૃત વિગતો આપી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના આદિજાતિ પરિવારોને વિકાસના પંથે લઈ જવા અને તેમના ગૌરવ-સન્માન માટે આપણે અગ્રેસર રહ્યા છીએ.

નીતિ નેક હોય અને નિયત સાફ હોય તેમજ વિકાસની મુખ્યધારામાં સૌને સાથે લઈને ચાલવાની પ્રતિબદ્ધતા હોય તો વનબંધુઓનો કેવો વિકાસ થાય છે, તે પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, વર્ષ-૨૦૦૭માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરાવી આદિજાતિ સમુદાયના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
દસ મુદ્દા આધારિત આ યોજના અંતર્ગત રોડ કનેક્ટિવિટી, ઘર આંગણે શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

વનબંધુ કલ્યાણ યોજનાથી દિકરીઓનું શિક્ષણ સ્તર સુધર્યું છે અને આદિજાતિ સમુદાયમાં સાક્ષરતાનો દર વધ્યો છે, તેમ તેમણે ગૌરવભેર જણાવ્યું હતું. હવે આદિજાતિ વિસ્તારમાં એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજ સહિતની ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ મળે છે. વલસાડ, દાહોદ , બનાસકાંઠા, ગોધરા સહિત આઠ મેડિકલ કોલેજો આદિજાતિ વિસ્તારોમાં છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

 નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં વનબંધુ કલ્યાણ યોજનાને મળેલી સફળતાને પગલે ગુજરાત સરકારે વનબંધુ કલ્યાણ યોજના ૨.૦ અમલમાં મૂકી છે, જે અંતર્ગત કુલ રૂ. ૨૨ હજાર કરોડથી વધારે રકમની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે.

આદિજાતિ વિસ્તારના વિકાસના કાર્યો નાણાંના અભાવે ક્યારેય અટકશે નહીં તેમ સ્પષ્ટ પણે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

આદિજાતિના સર્વગ્રાહી વિકાસના કાર્યોથી વનબંધુને વિશ્વબંધુ બનાવવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેમ છે, તેમ કહી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ કર્યો છે અને આહવા થી આસામ અને ઝાલોદથી ઝારખંડ સુધી આદિજાતિ સમુદાય સહિત સૌ જ્ઞાતિ-સમુદાયના લોકોને વિકાસની મુખ્ય પ્રવાહમાં આવવાની તક મળી છે.
જનજાતિય સશક્તિકરણ થકી વિકસિત ભારતનો સંકલ્પ સાકાર થશે. વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવા માટે સૌને કટિબદ્ધ થવા માટે મુખ્યમંત્રીએ આહ્વાન કર્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત દેશના ૬૩ હજારથી વધારે આદિવાસી ગામડાના પાંચ કરોડથી વધુ વનબંધુઓને લાભાન્વિત કરવાનો લક્ષ્ય છે. પ્રથમ વખત આવી કલ્યાણકારી યોજના થકી સો ટકા જનજાતિય સમુદાયને આવરી લેવાનો લક્ષ્યાંક આ ઉન્મત અભિયાનમાં રાખવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદિમ જૂથના પરિવારોને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની નેમ પીએમ-જનમન યોજનામાં રાખી છે. ગુજરાતમાં આદિમ જૂથના ૩૦ હજાર પરિવારોના લોકોને શિક્ષણ, આરોગ્ય, આવાસ, રોડ-રસ્તા અને વીજળીની સુવિધા આપવામાં આવી છે.

આ કાર્યક્રમમાં રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર સહિત ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે પણ ઉપસ્થિત રહી સંબોધન કર્યા હતા.

મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરે ભગવાન બિરસા મુંડાના યોગદાનનો ખ્યાલ આપી, આ ઉજવણી કાર્યક્રમના રાજ્યવ્યાપી આયોજનનો ખ્યાલ આપ્યો હતો. આદિજાતિ સમાજને ગુમરાહ કરનારા તત્વોને સનાતન હિન્દુ સંસ્કૃતિના જતન સંવર્ધન માટે યોગદાન આપનારા, પોતાનું સર્વસ્વ સમર્પિત કરનારા લોકોનો ઇતિહાસ સાક્ષી છે તેમ કહ્યું હતું.

વિજયભાઈ પટેલે દેશમા જનજાતિય ગૌરવ દિવસની થઈ રહેલી રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો ખ્યાલ આપી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી સમાજને યથોચિત સન્માન આપવાનુ કાર્ય કર્યું છે તેમ જણાવ્યું હતુ. રાજ્યના મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઇ પટેલે ડાંગના પાણીના પ્રશ્નના કાયમી ઉકેલ લાવવાના પ્રોજેક્ટ સહિત જિલ્લાને મળેલા શ્રેણીબધ્ધ વિકાસ કાર્યોની ઝાંખી રજૂ કરી, ડાંગ જિલ્લાના પ્રજાજનો વતી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજયેલા આ રાજ્ય કક્ષાના આ કાર્યક્રમ અગાઉ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ, આદિજાતિ સમાજના આસ્થા કેન્દ્ર એવા “શબરી ધામ” ખાતે માં શબરી અને પ્રભુ શ્રીરામ તથા ભ્રાતા  લક્ષ્મણજીના ભાવપૂર્વક દર્શન કરી, પુજા અર્ચના કરી હતી.

જુદી જુદી આદિજાતિ કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ પણ કર્યું હતુ.

વડાપ્રધાનની પ્રેરક ઉપસ્થિતિમાં બિહાર સ્થિત જમુઈ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમનાં જીવંત પ્રસારણમાં પણ આહવાથી સૌ કોઈ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી જોડાયા હતા.
વલસાડ – ડાંગના સાંસદ  ધવલભાઈ પટેલ દ્વારા લખાયેલી ‘Modi with Tribals’ પુસ્તકનુ વિમોચન પણ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે કરાયુ હતુ.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરાયેલા ‘વિકાસ રથ’નુ પણ મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યુ હતુ. કાર્યક્રમ સ્થળે જુદા જુદા વિભાગોના આયોજિત યોજનાકીય પ્રદર્શન અને નિદર્શન સ્ટોલ્સના નિરિક્ષણની ઉપલબ્ધ થયેલી તકનો લાભ પણ, પ્રજાજનોને લીધો હતો. યોજનાકીય લાભો મેળવનારા લાભાર્થીઓએ તેમની સાફલ્ય ગાથા પણ જાહેર મંચ ઉપરથી રજૂ કરી હતી.
સ્થાનિક અગ્રણીઓએ મુખ્યમંત્રીને આદિવાસી સમાજની પ્રતિકૃતિ, સમૃતિભેંટ અર્પણ કરી હતી.

કાર્યક્રમના આરંભે રાજ્યના આદિજાતિ વિકાસ કમિશ્નરસુપ્રીત સિંહ ગુલાટીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. જ્યારે ડાંગ ક્લેક્ટર  મહેશ પટેલે આભારવિધિ કરી હતી.

કાર્યક્રમમા વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલ, ડાંગ જિલ્લા પંચાયતના અધ્યક્ષા  નિર્મળાબેન ગાઈન સહિત રાજવીઓ, ધાર્મિક અગ્રણીઓ, જનપ્રતિનિધિઓ, આદિજાતિ સમાજના અગ્રણીઓ,
આદિજાતિ વિભાગના અધિક મુખ્ય સચિવજે પી ગુપ્તા, કેન્દ્ર સરકારના નોડલ ઓફિસર  પ્રદીપ સિંઘ, જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથાર, પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા તથા વિશાળ સંખ્યામાં આદિજાતિ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button