કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત
સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી : શૈક્ષણિક કાર્ય, ધંધા – રોજગાર અને યાર્ડમાં સપ્તાહ સુધીનું મીની વેકેશન
આગામી 19 ઓગષ્ટના રોજ જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે કોરોનાકાળ પછી લગભગ પ્રથમ વખત એવો તહેવાર બનશે જેમાં તમામ ક્ષેત્રો ખુલ્લા રહેવાના છે. ખાસ કરીને દેશભરમાં જાણીતો રાજકોટમાં યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો આ વખતે યોજાવા જઈ રહ્યો છે ત્યારે લોકોમાં તેના માટે ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે સાથે આ તહેવારમાં આઠ દિવસ આસપાસનું મીની વેકેશન થઈ શકે તેવો સમન્વય આવ્યો છે. જેના પગલે શૈક્ષણિક સહિતના ક્ષેત્રમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે.
માર્કેટિંગ યાર્ડમાં તા.13 થી તા.19 સુધી રજા, સોમવારથી થશે રાબેતા મુજબ
સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવારનું ખૂબ જ મહત્વ છે. આ તહેવારમાં શહેરી વિસ્તારોમાં વસતા ગ્રામ્ય પંથકના લોકો પોતાના વતન અથવા ગામડાઓમાં જાય છે. જેના પગલે ગ્રામ્યના ખેડૂતો પણ પોતાના પરિવારજનો સાથે રજા માણવા માટે ક્યાંય બહાર નીકળતા નથી આ ઉપરાંત યાર્ડમાં કામ કરતા મજૂરો, કમિશન એજન્ટો, વેપારીઓ, હોદેદારો સહિતનાઓ પણ રજા માણી શકે તે માટે લગભગ પાંચેક દિવસની રજાઓ જાહેર કરવામાં આવતી હોય છે. ત્યારે આ વખતે 15મી ઓગષ્ટ તેમજ સાતમ આઠમ વચ્ચે એકાદ દિવસનો જ ગેપ હોય તેની પણ રજા જાહેર કરવામાં આવી છે અને શનિવારે એટલે કે તા.13થી તા.19 સુધીની રજા જાહેર કરવામાં આવી છે. ઉપરાંત રવિવારે પણ રજા હોય જેના પગલે બધું જ કાર્ય સોમવારે તા.21થી રાબેતા મુજબ શરૂ થવાનું છે.
યુનિવર્સિટીમાં પણ અઠવાડિયા માટે શૈક્ષણિક સહિતનું કાર્ય રહેશે બંધ
19 મી ઓગસ્ટના શુક્રવારે જન્માષ્ટમીનો તહેવાર છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. 13 થી 19 ઓગસ્ટ સુધી વેકેશન જાહેર કરાયું છે. જે દિવસો દરમિયાન યુનિવર્સિટીના ભવનો અને વિભાગોમાં શૈક્ષણિક અને વહીવટી કાર્ય બંધ રહેશે જોકે 20મી ઓગસ્ટ ના શનિવારથી શૈક્ષણિક અને વહીવટી કાર્ય રાબેતા મુજબ શરૂ થઈ જશે. જન્માષ્ટમીનું એક અઠવાડિયાનું વેકેશન પડતા યુનિવર્સિટીમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓમાં ખુશીની લહેર વ્યાપી છે.