અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

ખ્યાતિ હોસ્પિટલકાંડઃ મેડિકલ કેમ્પના નામે પણ દર્દીઓનાં જીવન સાથે ચેડાં થઈ ચૂક્યાં છે?

અમદાવાદ, ૧૫ નવેમ્બર, અમદાવાદ શહેરની ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટિકના ઓપરેશન બાદ બે દર્દીઓના મૃત્યુ થયા હતા. કારણ વગર કડીના બોરીસણા ગામના 19 લોકોની બારોબાર એન્જિયોગ્રાફી અને તેમાના 7ની એન્જિયોપ્લાસ્ટી કરી નાંખીને PMJAY યોજનાનો લાભ લેવા માટે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ કૌભાંડ ખુલ્યા બાદ ખ્યાતિ હોસ્પિટલના એક પછી એક કારનામા ખુલી રહ્યાં છે. હવે સામે આવ્યું છે. કે, બે વર્ષ અગાઉ ગાંધીનગર જિલ્લાના શેરથામાં પણ ખ્યાતિ હોસ્પિટલે ફ્રી કેમ્પ યોજીને નવ જેટલાં દર્દીઓની બારોબાર એન્જિયોપ્લાસ્ટી કરી દીધી હતી.

ફ્રી મેડિકલ કેમ્પ યોજી પીએમજેવાયએ યોજના હેઠળ દર્દીઓની જાણ બહાર સારવાર કરી નાણાં કમાવવાના કૌભાંડમાં ખ્યાતિ હોસ્પિટલની મુખ્ય ભૂમિકા સામે આવી છે. હાલ બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડને લઇ રાજ્યભરમાં વિવિધ ચર્ચાઓ જાગી છે ત્યારે આ ઘટનાને લઇ એવી પણ ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે, દર્દીઓને અંધારામાં રાખીને સારવાર કરવામાં આવી રહી છે તેવી જાણ થતાં જ ચારેક દર્દીઓને તો સારવાર કરાવી જ નથી તેમ કહીને ભાગી છૂટ્યા હતાં. ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર બારોબાર સ્ટેન્ટ નાંખી દેવાની કરતૂત ઘણાં સમયથી ચાલી રહી છે. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની મોડસ ઓપરેન્ડી એવી હતી કે, એક ગામમાં એક જ વખત ફ્રી મેડિકલ કેમ્પ કરવામાં આવતો હતો.

જાણો ૨ વર્ષ પહેલા શું થયું હતું

26 નવેમ્બર, 2022નાલ રોજ ગાંધીનગર જિલ્લાના શેરથા ગામમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મામલે શેરથા ગામનાં જતીન પટેલે કહ્યું કે, એ દિવસે 17 લોકોને બસમાં અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ લવાયા હતાં. મારા પિતાની પણ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જોકે, સ્ટેન્ટ નખાયા પછી પણ મારા પિતાને છાતીમાં દુખાવો થતો હતો. એક દિવસ અચાનક વઘુ દુખાવો થતાં ગાંધીનગર સિવીલમાં લવાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયુ હતું.

આયુષ્યમાન કાર્ડ વિના દર્દીઓને સારવાર વિના જ ઘરે મોકલી દેવામાં આવ્યા હતાં. ડૉક્ટરોની શંકાસ્પદ સારવારથી ચારેક દર્દીઓએ તો સારવાર કરાવવાની જ ના પડી દીધી હતી. એટલુ જ નહીં, આ દર્દીઓ હોસ્પિટલમાંથી ભાગી છૂટ્યા હતાં. તેમ છતાં હોસ્પિટલ દ્વારા આખરે નવેક દર્દીઓની એન્જિપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતાં. શેરથા ગ્રામજનોએ એવો પણ આક્ષેપ કર્યો કે, પરિવારને જાણ સુધ્ધાં કરવામાં નહતી આવી કે, દર્દીને સ્ટેન્ટ મૂકી દીધું છે. ફક્ત એક સહી જ કરાવવામાં આવી હતી. સામાન્ય રીતે એન્જિયોપ્લાસ્ટી પછી દર્દીને 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે. પરંતુ, ખ્યાતિ હોસ્પિટલમાં એકેય દર્દીને આ રીતે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં નહતાં આવ્યાં. શેરથાથી દર્દીઓને બસમાં હોસ્પિટલ લાવવામાં આવ્યા, પરંતુ જ્યારે દર્દીઓને રજા અપાઈ ત્યારે કોઈ વ્યવસ્થા કરવામાં નહતી આવી.

આ પણ વાંચો…ભરૂચના તુલસીધામ શાકમાર્કેટમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ, વીજ પુરવઠો ખોરવાયો

Back to top button