ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

બિરસા મુંડા કોણ હતા? આજે 150મી જન્મ જયંતી પર જાણો તેમના વિશે

  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડાને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

નવી દિલ્હી, 15 નવેમ્બર: બિરસા મુંડાની આજે 15 નવેમ્બરે  150મી જન્મજયંતી છે. ભારતના આદિવાસીઓ તેમની ભગવાન બિરસા મુંડા તરીકે પૂજા કરે છે. તેઓ ભારતના સ્વતંત્રતા સંગ્રામના સર્વોચ્ચ મહાનાયકો પૈકી એક છે જેમણે અંગ્રેજોને ધૂળચાટતા કર્યા હતા. આજે પણ, જ્યારે લોકો ઝારખંડને જુએ છે, ત્યારે તેઓ ચોક્કસપણે આ મહાન વ્યક્તિત્વ વિશે જાણવા માંગે છે. આ વ્યક્તિ પ્રકૃતિ પ્રેમ માટે એક ઉત્તમ ઉદાહરણ છે અને આજે પણ જ્યારે પાણી, જંગલ-જમીનની વાત આવે છે ત્યારે લોકો તેમને યાદ કરે છે. બિરસા મુંડાના આદિવાસી સમુદાય પ્રત્યેના અનન્ય યોગદાનને પગલે તેમને ભગવાન તરીકે પૂજવામાં આવે છે અને આજના આ ખાસ દિવસને જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ભગવાન બિરસા મુંડાને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. PM મોદીએ કહ્યું કે, ભગવાન બિરસા મુંડાએ માતૃભૂમિના ગૌરવ અને સન્માનની રક્ષા માટે સર્વસ્વ બલિદાન આપ્યું હતું.

 

બિરસા મુંડા કોણ હતા?

બિરસા મુંડા યુવા સ્વાતંત્ર્ય સેનાની અને આદિવાસી સમુદાયના નેતા હતા. બિરસા મુંડા, મુંડા જાતિના હતા. તેમનો જન્મ 15 નવેમ્બર 1875ના રોજ ઝારખંડમાં થયો હતો. બિરસા મુંડાએ ‘ઉલગુલાન’ અથવા ‘ધ ગ્રેટ ટ્યૂમુલ્ટ’ નામનું આંદોલન શરૂ કર્યું હતું. આ દરમિયાન લોકો તેમને “ધરતી અબ્બા” એટલે કે “પૃથ્વીના પિતા” કહીને બોલાવતા હતા. તેમણે બ્રિટિશ મિશનરીઓ અને તેમની ધર્માંતરણ પ્રવૃત્તિઓ વિરુદ્ધ એક મોટું ધાર્મિક આંદોલન ઊભું કર્યું હતું. તેઓએ મુખ્યત્વે મુંડા અને ઓરાંવ આદિવાસી સમુદાયના લોકોની મદદથી ખ્રિસ્તી મિશનરીઓની ધાર્મિક પરિવર્તન પ્રવૃત્તિઓ સામે બળવો કર્યો હતો. તેમણે જળ, જંગલ, જમીન અને આદિવાસીઓ માટે ઘણું કામ કર્યું છે.

બિરસા મુંડાએ આપેલા નારાઓ શું હતા?

બિરસા મુંડાએ અબુઆ દિશુમ અબુઆ રાજ (abua disum abua raj)નો નારો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “અબુઆ રાજ આતે જના, મહારાણી રાજ ટુંડુ જના” એટલે કે “રાણીનું શાસન નાબૂદ કરીને અમારું શાસન સ્થાપિત કરો.” તેનો અર્થ છે કે, અમારું રાજ્ય, અમારું શાસન. તે લાખો આદિવાસી લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત હતો જેઓ ઝારખંડની ભૂમિમાંથી હતા અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો ભાગ હતા.

બિરસા મુંડાના પ્રખ્યાત કવોટ્સ:

  1. “શિક્ષણ, સંઘર્ષ, એકતા સે હી હમ અપને અધિકાર પ્રાપ્ત કર સકતે હૈ” – બિરસા મુંડા
  2. “સંઘર્સ સે હી જીત હોતી હૈ, સમર્પણ સે નહીં” – બિરસા મુંડા
  3. “હમારી માતૃભૂમિ કી રક્ષા કરના હમારા કર્તવ્ય હૈ” – બિરસા મુંડા

આ પણ જૂઓ: ગુલામીની માનસિકતા છોડીને ચાલો “ભારતકુળ” અપનાવીએઃ CM ભૂપેન્દ્ર પટેલની યુવાનોને હાકલ

Back to top button