કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2022
સરકાર સિસ્ટમમાં જાણી જોઇને સડો ઇચ્છી રહી છે : યુવરાજસિંહ જાડેજા
રાજકોટમાં યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં તેણે અત્યાર સુધી વિવિધ ભરતીઓમાં થયેલી ગેરરીતિ અંગે સરકારને આડેહાથ લીધી હતી. યુવરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં સરકાર ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતુ કે, દરેક ભરતીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. પેપર લીક થવું કે ખોટી રીતે માનીતાઓને બેસાડી દેવા જેવા કૌભાંડ આચરવામાં આવ્યા છે. આ તમામ અંગે સરકારને દરેક વખતે સચોટ અને પુરતા પુરાવાઓ આપ્યા છે. દર વખતે સરકાર કાર્યવાહી કરશુના ગાણા ગાય છે પરંતુ ત્યારબાદ તેઓ ઘટનામાં ભીનુ સંકેલી દે છે.
બિન સચિવાલય ક્લાર્કની ભરતી કૌભાંડને ત્રણ વર્ષ વિત્યા, પણ કોઈને સજા ન થઈ
વધુમાં યુવરાજસિંહે જણાવ્યું હતુ કે, ગત તા. 17 નવેમ્બર-2019ના રોજ બિનસચિવાલય કલાર્કની ભરતી કરવામાં આવી હતી. આ પરીક્ષામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું જણાવી તે અંગેના પુરતા પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. તત્કાલિન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે કડક કાર્યવાહી કરવાની સૂચના અને હૈયાધારણા આપી હતી. પરંતુ તે વાતને ત્રણ વર્ષ જેટલો સમય વિતવા આવ્યો હોવા છતાં હજુ સુધી તેમાં શું થયું ? તે જ માલૂમ પડતું નથી.
હેડક્લાર્ક કૌભાંડમાં પણ પેપર ક્યાં ? ક્યારે ? કેવી રીતે ફૂટ્યું ? તેની માહિતી આપી તોયે કંઈ જ ન કર્યું
ગત તા. 12-12-21ના રોજ હેડકલાર્કની ભરતી યોજવામાં આવી હતી પરીક્ષા પૂર્ણ થયાના બીજા જ દિવસે ગેરરીતિ અંગેના પુરાવાઓ સરકારને સોંપાયા હતા. પેપર પ્રાંતિજના ઉચ્છા ફાર્મહાઉસમાં લીક કરવામાં આવ્યું હતુ અને વગદારોને એક દિવસ અગાઉ જ પેપર મળી ગયું હોવાના પણ પુરાવાઓ આપવામાં આવ્યા હતા. જે અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મહિનાની અંદર આરોપીને કડક સજા કરી ઉદાહરણરૂપ દાખલો બેસાડવાનું જાહેર કર્યું હતુ પરંતુ આ વાતને પણ દોઢ વર્ષ જેટલો સમય વિતી ગયો છતા હજુ સુધી તેમાં શું થયું ? તેની કોઇ સ્પષ્ટતા મળી જ નથી.
જેટલા કૌભાંડ થયા તેની જવાબદારી ભરતી બોર્ડના ચેરમેનની જ હોય છતાં તેને ક્લીનચીટ
સરકારની મોટાભાગની ભરતીઓમાં જવાબદાર ભરતી બોર્ડના અધ્યક્ષ જ હોય છે અગાઉ જેટલી ભરતીમાં કૌભાંડ સામે આવ્યું હતુ તે તમામ ભરતી તત્કાલિન અધ્યક્ષ અસિત વોરાની આગેવાનીમાં લેવામાં આવી હતી. તેમના વિરુદ્ધ પુરાવાઓ પણ સરકારને સોંપવામાં આવ્યા હતા તેમ છતાં સરકાર દ્વારા અસિત વોરા સામે કોઇપણ પગલાં ભરવામાં આવ્યા ન હતા અને ક્લિન ચીટ આપી દેવામાં આવી હતી. જો કે, અસિત વોરાએ ત્યારબાદ સ્વૈચ્છિક રાજીનામું ધરી દીધું હતુ. આમ સરકાર દ્વારા આ દરેક ભરતીઓમાં જાણી જોઇને કૌભાંડ આચરવામાં આવતું હોય અને સરકાર પોતે જ ઇચ્છતી નથી કે, આખી સિસ્ટમ સુધરે. સરકાર પોતે જ સિસ્ટમમાં સડો રાખવા માટે ઇચ્છી રહી છે.
સક્રિય રાજકારણમાં જોડાવાની યુવરાજસિંહની જાહેરાત, 15 ઓકટોબર આસપાસ ગાંધીનગર ખાતે યુવા મહાસંમેલન
રાજકોટમાં આજે યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી જેમાં તેઓએ સરકાર સામે બાંયો ચઢાવી હતી અને ભરતીમાં થયેલા કૌભાંડ અંગે કોઇપણ કાર્યવાહી કરવામાં ન આવી હોય તેવા આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. દરમિયાન યુવરાજસિંહ જાડેજાએ પોતે જ હવે દરેક ભરતીઓની પોલ ખોલશે અને તે માટે તેણે સક્રિય રાજકારણમાં જોડાવાની જાહેરાત કરી દીધી છે. યુવરાજસિંહે આમ આદમી પાર્ટીમાં જોડાવાનું જાહેર કર્યું છે અને આગામી તા. 15 ઓકટોબર આસપાસ ગાંધીનગર ખાતે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની હાજરીમાં યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ જાહેર કરવામાં આવ્યું છે. યુવરાજસિંહે જણાવ્યું હતુ કે, આ સંમેલનમાં અરવિંદ કેજરીવાલ ઉપરાંત જે પણ રાજકીય નેતાઓ વિદ્યાર્થીઓનું હિત ઇચ્છતા હશે તેઓ તેમાં ઉપસ્થિત રહેશે. આ યુવા સંમેલનમાં 50,000થી 1,00,000 યુવાઓને એકઠાં કરવામાં આવશે.
આમ આદમી પાર્ટી ટિકિટ આપશે તો ચોક્કસથી ચૂંટણી લડીશ : જાડેજા
વિદ્યાર્થી યુવા નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા રાજકોટ ખાતે આજે ભરતી કૌભાંડ મુદ્દે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી જેમાં તેમણે સરકારની વિવિધ ભરતીઓમાં થયેલી ગેરરીતિના સચોટ અને પુરતા પુરાવાઓ આપ્યા હોવા છતાં સરકારે એકપણ જવાબદાર શખસો સામે કાર્યવાહી કરી ન હોવાનો આક્ષેપ તેમણે લગાવ્યો છે. વધુમાં યુવરાજસિંહે સક્રિય રાજકારણમાં જોડાવવાની જાહેરાત પણ કરી હતી ત્યારે આ અંગે મીડિયા દ્વારા તેમને ચૂંટણી લડવા અંગેનું પૂછતા યુવરાજસિંહે જણાવ્યું હતુ કે, જો આમ આદમી પાર્ટી ટિકિટ આપશે તો તેઓ ચોક્કસથી વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવશે.