અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પોલીસ ફરિયાદ થઈ દાખલ, ઓપરેશન કરનારા ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ
અમદાવાદ, તા. 14 નવેમ્બર, 2024: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મૃત્યુ બાદ સરકારે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. અમદાવાદના જાણીતા બિલ્ડર અને હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ, ડોક્ટર પ્રશાંત વજીરાણી, ડોક્ટર સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી અને સીઈઓ ચિરાગ રાજપુત સામે બુધવારે મોડી રાત્રે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સરકાર પક્ષે ફરિયાદ દાખલ થયા બાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી હતી.
સોલા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો. પ્રકાશ મહેતાએ ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે તપાસ કરવા માટે ડો. પ્રકાશ મહેતા ઉપરાંત, અન્ય તબીબોની એક ટીમ તૈયાર કરવામાં આવી હતી. આ ટીમના સભ્યોએ ખ્યાતિ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની ચકાસણી કરવાની સાથે રિપોર્ટ તપાસ્યા હતા. જેમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા. 19 દદીઓ પૈકી કોઇ દર્દીને એન્જિયોપ્લાટી અને એન્જિયોગ્રાફીની જરૂર ન હોવા છતાં પીએમજેએવાય દ્વારા ખોટી રીતે આર્થિક લાભ લેવા માટે તમામની સારવાર કરવામાં આવી હતી. જેમાં મરણ ગયેલા દર્દી મહેશ બારોટનો રિપોર્ટ તપાસતા જાણવા મળ્યું હતું કે એન્જિયોપ્લાસ્ટી કરવાનું કોઇ કારણ નહોતુ અને ઓપરેશન દરમિયાન કોઇ કાળજી લેવામાં આવી નહોતી. જ્યારે મૃત્યુ પામેલા અન્ય દર્દી નાગરભાઇ સેનમાના રિપોર્ટમાં સીપીઆરની સારવારના ડેટામાં છેડછાડ કરવામાં આવી હતી અને ઓપરેશન સમયે કાર્ડિયોલોજીસ્ટની હાજરી અંગેની નોંધ પણ કરવામાં આવી નહોતી. આમ બંને કેસમાં યોજના દ્વારા ખોટી રીતે આર્થિક લાભ લેવાનો બદઇરાદો સ્પષ્ટ થતો હતો.
ખ્યાતિ હોસ્પિટલની ટીમ દ્વારા મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બાલિસણા ગામે આરોગ્ય કેમ્પ કરીને 19 જણાને અમદાવાદ સ્થિત હોસ્પિટલ ખાતે સર્જરી માટે લાવવામાં આવ્યા હતા. જેમાંથી 19 દર્દીઓની એન્જીયોગ્રાફી અને તેમાંથી 07 દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી કરાઇ હતી. આ 7 દર્દીઓ પૈકી 2 દર્દીઓનું દુ:ખદ મૃત્યુ નિપજ્યું હતું. આ સમગ્ર ઘટનામાં કમિટીને ગુનાહિત કૃત્ય અને મેડિકલ બેદરકારી જણાઇ આવતા રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા ખ્યાતિ હોસ્પિટલ સંદર્ભે ગેરરિતી બદલ મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. અમદાવાદ સ્થિત ખ્યાતિ હોસ્પિટલને PMJAY-મા યોજનાની માર્ગદર્શિકા અનુસાર કાયમીપણે બ્લેકલીસ્ટ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ખ્યાતિ હોસ્પિટલને PMJAY–મા યોજનામાંથી કાયમી ધોરણે બ્લેક લિસ્ટ કરાઇ