ડૉલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે પહોંચ્યો, જાણો કેમ ગગડી રહ્યું છે ભારતીય ચલણ
મુંબઈ, તા. 13 નવેમ્બર, 2024: ભારતીય શેરબજારમાં ઘટાડાના વલણ વચ્ચે બુધવારના કારોબારમાં રૂપિયો એક પૈસાના ઘટાડા સાથે 84.40 ડૉલર પર ખૂલ્યો હતો. જે રૂપિયાનું અત્યાર સુધીનું સૌથી નીચલું સ્તર છે. મંગળવારે ડૉલર સામે રૂપિયો તેના સર્વકાલીન નીચલા સ્તર 84.39 પર બંધ થયો હતો.
રૂપિયો કેમ ઘટી રહ્યો છે?
કરન્સી માર્કેટના નિષ્ણાતોના મતે વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલી અને ઈક્વિટી માર્કેટમાં સુસ્તીને કારણે રૂપિયો નબળો પડી રહ્યો છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી ડૉલર ઇન્ડેક્સ નરમ નહીં થાય અથવા વિદેશી ફંડ્સ તેમના ઉપાડમાં ઘટાડો નહીં કરે ત્યાં સુધી રૂપિયો દબાણ હેઠળ રહેશે.
રૂપિયો ક્યારથી દબાણમાં છે?
અમેરિકી ચૂંટણી અને સતત વિદેશી ભંડોળની ઉપાડ વચ્ચે રૂપિયો લાંબા સમયથી દબાણમાં છે. વિદેશી રોકાણકારોએ ઓક્ટોબરમાં લગભગ $12 બિલિયનની ઇક્વિટી વેચી હતી. નવેમ્બરમાં પણ આ ટ્રેન્ડ ચાલુ રહે છે. તેઓએ નવેમ્બરના પ્રથમ 12 દિવસમાં અંદાજે $1.6 બિલિયન ઉપાડી લીધા છે. વિદેશી રોકાણકારોએ સપ્ટેમ્બર 2024માં રૂ. 57,724 કરોડનું રોકાણ કર્યું હતું. પરંતુ, તેઓએ ઓક્ટોબરમાં રૂ. 94,017 કરોડનો ચોખ્ખો ઉપાડ કર્યો હતો. આ તેમનું અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ હતું.
જો નવેમ્બરની વાત કરીએ તો છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં જ વિદેશી રોકાણકારોએ 20 હજાર કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. નિષ્ણાતોના મતે વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી આગળ વધી શકે છે. આવી સ્થિતિમાં રૂપિયા અને શેરબજારમાં અસ્થિરતાનો સમય રહેશે.
વિદેશી મુદ્રા ભંડારમાં પણ ઘટાડો
આરબીઆઈના તાજેતરના આંકડા પ્રમાણે ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 2.675 બિલિયન ડૉલર ઘટીને ઘટીને 682.13 બિલિયન ડૉલર થઈ ગયું છે. ગયા અઠવાડિયે, કુલ ચલણ અનામત 3.463 બિલિયન ડૉલર ઘટીને 684.805 બિલિયન ડૉલર થયું હતું. સપ્ટેમ્બરના અંતમાં કરન્સી રિઝર્વ 704.885 બિલિયન ડૉલરની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગયું હતું.
જોકે, રૂપિયામાં નબળાઈને કારણે વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં RBI પર રૂપિયાના ઘટાડાને રોકવા માટે પગલાં લેવાનું દબાણ વધી રહ્યું છે. જોકે, નિષ્ણાતો માને છે કે આરબીઆઈ ચીની ચલણ યુઆન સામે સ્પર્ધાત્મક રાખવા માટે રૂપિયાના મૂલ્યને ઘટાડવાની વ્યૂહરચના બનાવી શકે છે.
આ પણ વાંચોઃ ભારતીય મૂળના વિવેક રામાસ્વામી અને મસ્કનો ટ્રમ્પ કેબિનેટમાં સમાવેશ