MS ધોનીને હાઈકોર્ટે ફટકારી નોટિસ, આ કેસમાં હાજર થવાનો કર્યો આદેશ
- મિહિર દિવાકર અને સૌમ્ય દાસ દ્વારા હાઈકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો
રાંચી, 13 નવેમ્બર: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને ઝારખંડ હાઈકોર્ટે મંગળવારે નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે ધોનીને તેના ભૂતપૂર્વ ભાગીદારો મિહિર દિવાકર અને સૌમ્ય દાસ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં નોટિસ મોકલી છે. કોર્ટે ધોનીને કોર્ટમાં આવીને આ મામલામાં પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવા આદેશ આપ્યો છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, મિહિર દિવાકર અને સૌમ્ય દાસ ‘આરકા સ્પોર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડ’ના ડિરેક્ટર છે. બંનેએ મહેન્દ્ર સિંહ ધોની સાથે તેમના નામે ક્રિકેટ એકેડમી ખોલવાનો કરાર કર્યો હતો. જોકે, થોડા સમય પછી MS ધોનીએ મિહિર દિવાકર અને સૌમ્યા દાસ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. ધોનીએ 5 જાન્યુઆરીએ ઝારખંડની રાજધાની રાંચીમાં તેની વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી.
15 કરોડની છેતરપિંડી: ધોની
ફોજદારી ફરિયાદમાં મહેન્દ્રસિંહ ધોનીએ આરોપ લગાવ્યો છે કે, તેની સાથે 15 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ધોનીએ દાવો કર્યો કે, વર્ષ 2021માં તેણે એકેડમી માટે કરાર અધિકારો રદ્દ કરી દીધા હતા. જો કે, આ પછી પણ તેના નામનો ઉપયોગ કરવાનું મિહિર દિવાકર અને સૌમ્ય દાસે ચાલુ રાખ્યું. ત્યારબાદ, રાંચીના ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલત દ્વારા દિવાકર અને દાસ વિરુદ્ધ સંજ્ઞાન લેવામાં આવ્યું હતું. જો કે બંનેએ આ મામલે ઝારખંડ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. હવે હાઈકોર્ટે ધોનીને આ કેસમાં કોર્ટ સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો છે.
MS ધોની IPL 2025માં રમશે
એમએસ ધોની IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પણ રમતા જોવા મળી શકે છે. એમએસ ધોનીએ તાજેતરમાં જ રમત ચાલુ રાખવાનો સંકેત આપ્યો છે. ધોનીએ કહ્યું હતું કે, એક ખેલાડી તરીકે તે છેલ્લા કેટલાક વર્ષોમાં જે પણ ક્રિકેટ રમી રહ્યો છે તેનો તે આનંદ માણવા માંગે છે.
આ પણ જૂઓ: WTC ફાઇનલમાં પહોંચવા માટે શ્રીલંકાએ લીધો મોટો નિર્ણય, ટીમ ઇન્ડિયાનું વધ્યું ટેન્શન